મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

બંગાળમાં ચારેબાજુ હિંસાનું તાંડવ, લોકોમાં ભય : રાજ્યપાલ જગદીપ ધનખડ

બંગાળમાં પરિણામ બાદ ટીએમસી કાર્યકરો દ્વારા હિંસા : રાજ્યપાલે બંગાળ પોલીસ પાસે હિંસાને લઈ રિપોર્ટ માંગ્યો, પોલીસ વડાએ રાજ્યપાલને હિંસાને રોકવા આશ્વાસન આપ્યુ

કોલકત્તા, તા. :  પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની ભવ્ય જીત બાદ તરત રસ્તા પર ઉતરી પડેલા ટીએમસીના કાર્યકરોએ હિંસા શરુ કરી દીધી છે. બંગાળમાં ભાજપ માટે કામ કરનારા હજારો કાર્યકરો અને તેમના પરિવારજનો ભય નીચે જીવી રહ્યા છે ત્યારે પીએમ મોદીએ આજે રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરીને બંગાળ હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી.દરમિયાન ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડા પણ આજે બંગાળની મુલાકાતે છે.તેઓ હિંસામાં જીવ ગુમાવનારા અને ઘાયલ થનારા ભાજપના કાર્યકરોના પરિવારજનો સાથે મુલાકાત કરવાના છે.

પહેલા રાજ્યપાલે બંગાળ પોલીસ પાસે હિંસાને લઈને રિપોર્ટ માંગ્યો છે.રાજ્યના પોલીસ વડાએ રાજ્યપાલની મુલાકાત લઈને હિંસાને રોકવા માટે આશ્વાસન આપ્યુ છે પણ તેની કોઈ અસર દેખાઈ રહી નથી.રાજ્યપાલે કહ્યુ હતુ કે, રાજ્યમાં ભયભીત લોકો પોતાને બચાવવા માટે નાસભાગ કરી રહ્યા છે.ચારે તરફ વિનાશનુ તાંડવ છે.સીએમ મમતા બેનરજી વ્યવસ્થાને સંભાળે.

રાજ્યપાલે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ મને ફોન કરીને રાજ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે તેઓ પોતે પણ દુખી છે.હું સીએમ મમતા બેનરજી સાથે તેમની ચિંતાઓને શેર કરી રહ્યો છું.રાજ્યમાં હિંસા, લૂંટ, આગચંપી બેરોકટોક ચાલી રહી છે.

(12:00 am IST)