મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ઓકિસજનની અછત વચ્ચે અમેરિકાથી લેઉવા પાટીદાર ગુજરાતના પાંચ ગામ માટે મોકલશે ૧૧૦ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન

૪૦ લાખ એટલે કે, ૫૦,૦૦૦ ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે

ન્યુયોર્ક, તા.૪: કોરોના મહામારીમાં ઓકિસજની અછત સર્જાતા અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એમેરિકામાં સ્થિત પાંચ ગામ લેઉવા પાટીદાર સંગઠન દ્વારા પાટણ તાલુકાનાં બલિસાણા, સંડેર, મણુંદ અને વિસનગર તાલુકાનાં ભાન્ડુ અને વાલમ ગામ માટે અમેરિકાથી ૪૦ લાખ રુપિયાની કિંમતનાં ૧૧૦ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીનની ખરીદી કરવામાં આવી છે. જે શનિવાર સુધીમાં ભારત આવવાની ગણતરી છે.

મહામારીની કપરી પરિસ્થિતિમાં પાંચ ગામનાં લેઉવા પાટીદાર સમાજનાં લોકો વતનની વહારે આવ્યાં છે. તેમણે અમેરિકામાં ૧૧૦ ઓકિસજન કોન્સન્ટ્રેટર મશીન ખરીદ્યાં છે. ૪૦ લાખ એટલે કે, ૫૦,૦૦૦ ડોલરનાં ખર્ચે ખરીદાયેલા આ મશીનો ભારતમાં થોડા જ દિવસોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ આ મશીનો પૈકી પાટણ તાલુકાના બાલિસાણામાં ૨૫, સંડૈરમાં ૧૭, મણુંદમાં ૧૭ અને વાલમ ગામમાં ૨૫ આપવામાં આવશે. જયારે બાકી રહેલા નવ મશીનો રિઝર્વમાં મૂકવામાં આવશે.

ઓકિસજન કોન્સન્ટ્રેટર એ એક એવું મશીન છે જેમાં ઓકિસજન ભરવાની જરૂર નથી, મશીન પોતે ઓકિસજન ઉત્પન્ન કરે છે. આ મશીનોથી કોરોનાના દર્દીઓેને ઘણી જ મદદ થશે.

પાટણ જિલ્લાનાં વિકાસ અધિકારી ડી.કે. પારેખે જણાવ્યું કે, બાલિસણા અને મણુંદ ગામમાં કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવ્યાં છે. જેની મુલાકાત લીધી હતી. ત્યાં ડાઙ્ખકટર પણ મૂકવામાં આવ્યાં છે. આ ઉપરાંત દર્દીઓને દવા, સંગીત, યોગ, જયુસ જેવી સુવિધાઓ મળી રહે તે અંગેની તૈયારીઓ પણ ચાલી રહી છે. અમેરિકાથી આવનારા ઓકિસજન મશીન પણ અહીં મુકવામાં આવશે.

આ અંગે મણુંદ ગામનાં અગ્રણી દિક્ષિતભાઇ પટેલ જણાવે છે કે, કોરોનાનો કોઇ દર્દી ઓકિસજનના અભાવે જીવ ન ગુમાવે તે પ્રાથમિકતા છે. અમેરિકા સ્થાયી થયેલા પાંચ ગામનાં લેઉવા પટેલના સેવાભાવી સભ્યોએ ઓકિસજન મશીન ઉપરાંત દવાઓ કે કોઇપણ જરૂરિયાતની મદદ કરવા માટે તૈયાર છે.

(4:11 pm IST)