મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

નિલમ મા ના આશિર્વાદનો અપાર મહિમા...

આઠેક વર્ષ પૂર્વેની એક ઘટના યાદ આવે છે. અતિ ગંભીર પેન્ક્રીએટાઇટીસનો હું ભોગ બની ગયેલ. ડોકટરોએ મારા બચવાની લગભગ આશા છોડી દીધી હતી અને મને એરલીફટ કરી હૈદ્રાબાદ લઇ જવાની તૈયારી થઇ રહેલ. મને આ બાબતની કોઇ જાણકારી ન હતી. મારા બન્ને હાથ અને પગમાં ગ્લુકોઝ, ઇન્જેકશનો, પ્રોટીનના બાટલા ચઢતા હતા. અપાર વેદના થતી હતી. આ દરમિયાન ડો. પ્રફુલ્લભાઇ કામાણી, ડો. ઠક્કર, ડો. અપૂર્વભાઇ અને ડો. નીતાબેન ઠક્કર મને બચાવી લેવા અથાગ પ્રયાસો કરી રહ્યા હતા. હૈદ્રાબાદ લઇ જવા પૂર્વે મુંબઇથી છેલ્લી ટ્રાય માટે ફોર્થ જનરેશનની એન્ટીબાયોટીક મંગાવી અને મને શરૂ કરી. જાણે ચમત્કાર થયો. બીજા દિવસથી જ તબિયતમાં ચમત્કારિક સુધારો આવ્યો. ૧૫ દિવસમાં હું કામ ઉપર પણ ચડી ગયો. પરંતુ આ દરમિયાન જે ઘટના ઘટી તે જીવન પર્યંત યાદ રહેશે. મારી આ ગંભીર - કટોકટીભરી બિમારી સમયે નિલમ માની જામનગર ખાતે શિબિર ચાલતી હતી. તેમને કોઇએ મારી ગંભીર બિમારી અંગે જાણ કરી.

નિલમ મા શિબિરમાંથી સીધા રાજકોટ આવ્યા. ત્યારે મને સખત નબળાઇ હતી. પથારીમાં બેઠા થવામાં પણ શ્રમ પડતો હતો. નિલમ મા મારા રૂમમાં આવ્યા.

ચહેરા પર સ્મિત રેલાતુ હતું, અપાર સાંત્વના આપતા હોય તેવું લાગતું હતું. મારી સામે ખુરશી ઉપર બેઠા. મને કહ્યું કે સ્વામીજી બેઠા થાવ. અતિશય નબળાઇ છતાં બેઠો થયો. વજન ખૂબ ઉતરી ગયેલ. નિલમ મા એ બન્ને હાથ મારા માથા ઉપર મૂકયા. પાંચેક મિનિટ સુધી આંખો બંધ કરી જાણે ડીપ મેડીટેશનમાં ચાલ્યા ગયા હોય તેવું લાગેલ. હું શાંતીથી બેઠો રહેલ. બીજું કંઇ સમજાતું ન હતું, પણ અપાર શાંતિ લાગતી હતી. થોડીવાર પછી આંખો ખોલી, અને એ જ નિર્મળ હાસ્ય તેમના ચહેરા ઉપર રેલાયું. ખુરશી ઉપરથી ઉભા થયા, મને કહ્યું ચિંતા નહિ કરતા. મનને આનંદમાં રાખજો... બસ આટલું કહી ચાલ્યા ગયા.

કુદરતને કરવું અને નવી એન્ટીબાયોટીક લાગુ પડી ગઇ. ધીમે ધીમે સ્વસ્થ થઇ ફરી કામે લાગી ગયો. એ પછી આટલા વર્ષો વિત્યા કોઇ મોટી માંદગી પ્રભુ કૃપાથી આવી નથી.

નિલમ માના ધર્મશાલા પાસેના અલૌકિક ઓશો નિસર્ગ આશ્રમમાં ત્રણેક વખત જવાનું થયું છે. 'આંતર મનની યાત્રા' શિબિર સ્વામી સત્યપ્રકાશજી સાથે નિલમ માના સંચાલન હેઠળ કરવાનો મોકો મળ્યો હતો. એ ક્ષણો જીવનમાં કયારેય વિશરાશે નહિ. તેમના હાથે સન્યાસ લેવાનો અવસર પ્રાપ્ત થયો, એ પળો જીવનને ધન્ય બનાવી ગઇ.

નિલમ મા એ દેહ છોડી મહાપ્રયાણ કર્યું છે ત્યારે નતમસ્તકે સત્ સત્ વંદન...

કિરીટ જી. ગણાત્રા

મેનેજીંગ તંત્રી : અકિલા દૈનિક

મોટી ટાંકી, રાજકોટ. (ગુજરાત)

(3:35 pm IST)