મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

આવતા બે-ત્રણ મહિના સુધી વેકસીનનું સંકટ રહેશે

જુલાઈ બાદ સ્થિતિ સામાન્ય બનવાની શકયતા છેઃ પુનાવાલા

નવી દિલ્હી, તા. ૪ :. સીરમ ઈન્સ્ટી.ના વડા અદાર પુનાવાલાએ કહ્યુ છે કે ભારતમાં આવતા બે-ત્રણ મહિના સુધી વેકસીનનું સંકટ રહેશે. તેમણે કહ્યુ છે કે એક મહિનામાં રસીના ૧૦ કરોડ ડોઝનું ઉત્પાદન જુલાઈથી સંભવ છે. અત્યારે ૧ મહિનામાં સરેરાશ ૬ થી ૭ કરોડ ડોઝ બની રહ્યા છે.

લંડનમાં ચાલ્યા ગયેલા પુનાવાલાએ કહ્યુ છે કે સરકાર તરફથી રસીનો ઓર્ડર નહિ મળતા ઉત્પાદન વધારવામાં આવી રહ્યુ નથી. તેમણે ચેતવણી આપી હતી કે જુલાઈ સુધી રસીનું સંકટ રહેશે. તેમણે કહ્યુ છે કે જવાબદારોએ એ નહોતુ વિચાર્યુ કે બીજી લહેરની સૌથી વધુ અસર ભારત પર પડશે.

તેમણે કહ્યુ હતુ કે રસીના ૧૦૦ કરોડ ડોઝના ઓર્ડર બાદ કોઈપણ નવો ઓર્ડર મળ્યો નથી. તેમણે કહ્યુ હતુ કે ગયા મહિને સરકારે રસીનું ઉત્પાદન વધારવા અને એડવાન્સમાં ઓર્ડર માટે ૩૦૦૦ કરોડ રૂપિયા આપ્યા હતા. અમે કામ શરૂ કર્યુ પરંતુ આટલા મોટા પ્રમાણમાં રસીનું ઉત્પાદન સંભવ નથી. સરકાર તરફથી માર્ચ બાદ કોઈ ઓર્ડર આપવામાં આવ્યો નહોતો.

(11:56 am IST)