મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

ગુજરાતમાં 'મીની લોકડાઉન' લંબાવવાની શકયતાઃ સાંજે નિર્ણય !

રાજ્યમાં ફુંફાડા મારી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે રાજ્યના ૨૯ શહેરોમાં લાગુ નિયંત્રણો હજુ લંબાવાય તેવી શકયતા : ગત ૨૮મીથી મીની લોકડાઉન અમલી છેઃ હજુ દુકાનો-બજારો વગેરે બંધ રાખવી જરૂરીઃ રાત્રીના ૮થી સવારના ૬ સુધીનો કર્ફયુ પણ ચાલુ રહે તેવી શકયતા

અમદાવાદ, તા. ૪ :. ગુજરાતમાં કોરોનાની ચેઈન તોડવા કેન્દ્રના આદેશ અન્વયે લાગુ 'મીની લોકડાઉન' લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે. રાજ્ય સરકારે ગત ૨૮મીથી લાગુ કરેલા વિવિધ પ્રકારના નિયંત્રણો હજુ ચાલુ રહે તેવી શકયતા છે. આ અંગે આજે સાંજે કોર કમિટીની એક મીટીંગ મળવા જઈ રહી છે જેમાં અંતિમ નિર્ણય લેવાશે. હજુ દુકાનો, બજારો વગેરે બંધ રાખવી જરૂરી હોવાનુ અને રાત્રીનો કર્ફયુ પણ જરૂરી હોવાનુ રાજ્ય સરકારનુ માનવું છે.

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસ અને મોતના આંકડાથી ચિંતિત રાજ્ય સરકારે ગત ૨૮મીએ રાજયના ૨૯ શહેરોમાં મીની લોકડાઉન લાગુ કર્યુ હતુ જે અંતર્ગત દુકાનો, બજારો, મોલ, સિનેમાઘર, સ્વીમીંગ પૂલ, જીમ, શોપિંગ સેન્ટરો વગેરે બંધ રાખવા અને ખાનગી તથા સરકારી કચેરીઓમાં ૫૦ ટકાની હાજરીની જાહેરાત કરી હતી. હોટલ અને રેસ્ટોરન્ટમાં બેસીને ભોજન લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે માત્ર પાર્સલ સેવા જ ચાલુ છે. હજુ કોરોના શાંત પડયો ન હોવાથી રાજ્ય સરકાર આ બધા નિયંત્રણો હજુ લંબાવે તેવી શકયતા છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના ૨૯ શહેરોમાં લાગુ રાત્રીનો કર્ફયુ પણ ચાલુ જ રહે તેવી શકયતા છે. રાત્રીના ૮ થી સવારના ૬ સુધીનો કર્ફયુ હાલ અમલી છે જેનુ કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યુ છે.

મળતા અહેવાલો મુજબ કેન્દ્ર સરકારે લોકડાઉન સહિતની બાબતોનો નિર્ણય લેવાની સત્તા રાજ્ય સરકારોને આપી હોવાથી હવે રાજ્યો પોતપોતાની રીતે નિર્ણય લઈ રહ્યા છે. આજે સાંજે કોર કમિટીની મીટીંગમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટ અને ટાસ્કફોર્સે ૧૫ દિવસના લોકડાઉનની ભલામણ કરી છે.

(11:11 am IST)