મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

ખેડૂત આંદોલનની મહિલાઓને ટાઈમના કવર પેજ ઉપર સ્થાન

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું ચાર માસથી વિરોધ પ્રદર્શન : વિશ્વના પ્રતિષ્ઠિત મેગેઝીને દિલ્હીની ટિકરી બોર્ડર પર ૨૦ મહિલાઓના સમૂહની તસવીર છાપી છે, જે ખેડૂત આંદોલનમાં સામેલ થવા આવી હતી

નવી દિલ્હી, તા.૫ : અમેરિકાના પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝીને તેના નવા અંકના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં જોડાયેલી મહિલાઓને સ્થાન આપ્યું છે. કવર પેજ પર આંદોલનકારી મહિલાઓની તસવીર સાથે લખ્યું છે કે, ભારતના ખેડૂતો વિરોધના મોરચે. કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો લગભગ ચાર મહિનાથી દિલ્હીની બોર્ડર્સ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

મેગેઝીને દિલ્હીની ટિકરી બોર્ડર પર ૨૦ મહિલાઓના એક સમૂહની તસવીર છાપી છે, જે ખેડૂત આંદોલનમાં સામેલ થવા આવી હતી. ટાઇમ મેગેઝીને જણાવ્યું કે કેવી રીતે મહિલાઓ પણ વિરોધના મોરચે અડગ છે. આર્ટિકલનું ટાઇટલ છે કે, અમને ધમકાવી શકાય નહીં, અમને ખરીદી શકાય નહીં. સાથે જ કહેવામાં આવ્યું છે કે, મોટાભાગની મહિલાઓ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારમાંથી આવી છે.

ટાઇમ મેગેઝીને લખ્યું કે, કેવી રીતે મહિલા ખેડૂતોએ આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ લીધો છે.

જ્યારે સરકાર તેમને ઘરે જવા માટે કહી ચૂકી છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, કેવી રીતે આ ખેડૂત મહિલાઓ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતોનું નેતૃત્વ કરવા માટે મોરચો સંભાળે છે.

ટાઇમ મેગેઝીનના કવર પેજ પર જોઇ શકાય છે કે, કેટલીક મહિલાઓ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહી છે. એક મહિલાના ખોળામાં બાળક છે, જ્યારે એક-બે બીજા બાળકો પણ છે. તસવીરમાં વૃદ્ધ મહિલાઓ પણ જોવા મળે છે.

(7:53 pm IST)