મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

મહારાષ્‍ટ્રના અમરાવતી મહાનગરપાલિકાના એકસાથે 80 કર્મચારીઓને કોરોના પોઝીટીવઃ ડિસ્‍ટ્રીક્‍ટ મેજીસ્‍ટ્રેટની ઓફિસ અને યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સંક્રમીત

અમરાવતી: મહારાષ્ટ્રના અમરાવતીમાં કોરોના વાયરસનો પ્રકોપ ખુબ ઝડપથી વધી રહ્યો છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરતા 80 કર્મચારી કોરોના પોઝિટિવ નીકળ્યા છે. જ્યારે 5 કર્મચારીઓના કોરોના વાયરસ સંક્રમણના કારણે મોત થઈ ચૂક્યા છે.

અમરાવતી મહાનગર પાલિકાના 80 કર્મચારી કોરોના પોઝિટિવ

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ પોઝિટિવ આવેલા અમરાવતી મહાનગર પાલિકાના કર્મચારીઓમાં ડોક્ટર અને એન્જિનિયર સહિત તમામ પદો પર કામ કરતા લોકો સામલ છે. અમરાવતી મહાનગર પાલિકામાં કામ કરનારા કુલ કર્મચારીઓની સંખ્યા 3000 છે. આ ઉપરાંત પ્રાઈવેટ રીતે કામ કરવા માટે પણ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે.

ડીએમ ઓફિસમાં 60થી વધુ કર્મચારીઓ પોઝિટિવ

નોંધનીય છે કે અમરાવતી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટની ઓફિસમાં કામ કરતા 60-65 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. અમરાવતીના ડીએમની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓની કુલ સંખ્યા 200 છે.

સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં 56 કર્મચારીઓ સંક્રમિત

આ બાજુ સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીમાં કામ કરતા 56 કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને ક્વોરન્ટિન કરવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે ઝડપથી વધી રહેલા કોરોના વાયરસના કેસ જોતા અમરાવતીમાં 2 અઠવાડિયાનું લોકડાઉન લાગુ છે. 8 માર્ચ સુધી અમરાવતીમાં લોકડાઉન ચાલુ રહેશે. ત્યારબાદ હાલાત જોઈને લોકડાઉન આગળ વધારવું કે નહીં તે નિર્ણય લેવાશે. અમરાવતીમાં ગુરુવારે કોરોના વાયરસના 673 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે 9 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા હતા.

દેશમાં કોરોના વાયરસના નવા 16,838 કેસ

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં કોરોના વાયરસના નવા 16,838 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 1,11,73,761 પર પહોંચી છે. જેમાંથી 1,76,319 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 1,08,39,894 લોકો કોરોનાને માત આપવામાં સફળ થયા છે. એક જ દિવસમાં કોરોનાથી 113 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુનો આંકડો 1,57,548 પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,80,05,503 લોકોને રસી અપાઈ છે.

(5:40 pm IST)