મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા મુસાફરોને અંડર વોટર હોટલનુ નવુ નજરાણુ મળશે

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેકટ્સની શરૂઆત કરાવશે

નવી દિલ્હી, તા.૫: કેવડિયામાં હાલ ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ યોજાઈ રહી છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં નવા ડેવલપમેન્ટ પ્રોજેકટ્સ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર છે. ત્યારે તેઓ ગુજરાતને મોટી ભેટ આપનાર છે. પીએમ મોદી દ્વારા આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેકટ્સની શરૂઆત કરાવવામાં આવનાર છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રધાનમંત્રી મોદી આવતીકાલે કેવડિયામાં નવા પ્રોજેકટ્સની શરૂઆત કરાવશે. જેમાં PM મોદી એરપોર્ટ અને અંડર વોટર હોટેલનું ભૂમિપૂજન કરી શકે છે. તો બીજી તરફ, કેવડિયાને એરપોર્ટ પણ મળવાનું છે. અઘતન એરપોર્ટથી કેવડિયાની કનેકિટવિટી વધશે. તો સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા મુસાફરોને અંડર વોટર હોટલનુ નવુ નજરાણુ મળશે. આ સાથે કેવડિયા વર્લ્ડ બેસ્ટ ડેસ્ટિનેશન બનશે.

હાલ કેવડિયાની ટેન્ટ સિટી-૨ ખાતે આર્મી, નેવી, એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી રહી છે. ૪ માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. ત્યારે આવતી કાલે PM મોદી આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપવા આવશે. આવતીકાલે પૂર્ણાહુતિ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ખાસ ઉપસ્થિત રહેશે અને તેઓ આ પ્રસંગે સંબોધન પણ કરવાના છે.

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે રાષ્ટ્રીય કક્ષાની અનેક કોન્ફરન્સ પણ યોજાઈ રહી છે. ડિફેન્સની કોન્ફરન્સમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી રહી છે. આ કોન્ફરન્સમાં આર્મીના પીએમો, રક્ષા મંત્રાલાય અને ડિફેન્સના અધિકારીઓની હાજરી છે. આવતીકાલે પીએમ આવવાના હોઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકો કેવડિયા વિસ્તારનો ડ્રોન ઝોન નક્કી કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

(3:50 pm IST)