મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

સોશ્યલ મિડીયા-OTT પ્લેટફોર્મ માટેના કેન્દ્રના નિયમો બુઠ્ઠાઃ સુપ્રિમ કોર્ટ

ઓટીટી પ્લેટફોર્મ પર બતાડવામાં આવતી સામગ્રીને લઈને સુપ્રિમ કોર્ટે ફરી એક વખત કેન્દ્ર સરકારને ફટકાર લગાવીઃ સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન્સ બેઅસર હોવાનો દાવો : ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટને નિયંત્રિત રાખવા માટે માત્ર ગાઈડલાઈન્સ બનાવવાની જગ્યાએ એક કાનૂન તૈયાર કરવો જોઈએ અને કન્ટેન્ટના માપદંડ નક્કી કરવા જોઈએ

નવી દિલ્હી, તા. ૫ :. ઓટીટી પ્લેટફોર્મ પર બતાડવામાં આવતી સામગ્રીને લઈને સુપ્રિમ કોર્ટે ફરી એક વખત કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યુ છે કે સરકારે હાલમાં જ નેટફિલકસ અને એમેઝોન પ્રાઈમ જેવા પ્લેટફોર્મને રેગ્યુલેટ કરવા માટે જે નવી ગાઈડલાઈન્સ કરવામાં આવી છે તે સંપૂર્ણ રીતે બેઅસર છે કારણ કે તેમા કાનૂની કાર્યવાહીનો વિકલ્પ નથી. તાંડવ વેબસીરીઝ પર સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યુ હતુ કે સરકારના નવા દિશાનિર્દેશોમાં 'કોઈ દાંત નથી' કારણ કે તેમા કોઈ અસરકારક જોગવાઈ નથી.

કોર્ટે કહ્યુ હતુ કે ઓટીટી પ્લેટફોર્મને નિયંત્રીત કરવા માટે એક તંત્ર બનાવવાની જરૃર છે. આ સિવાય તાંડવ વેબસીરીઝના મામલામાં કોર્ટે કહ્યુ હતુ કે એમેઝોન પ્રાઈમ વિડીયોના વડા અપર્ણા પુરોહીતની ધરપકડ નહી થાય. કોર્ટે તેમને તપાસમાં સહયોગ કરવા કહ્યુ છે.

સર્વોચ્ચ અદાલતે કહ્યુ હતુ કે ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટને નિયંત્રીત કરવા માટે માત્ર ગાઈડલાઈન્સની જગ્યાએ એક કાનૂન તૈયાર કરવો જોઈએ અને તે હેઠળ કન્ટેન્ટના માપદંડ નક્કી કરવા જોઈએ.

અત્રે નોંધનીય છે કે અગાઉ પણ સરકારે અસરકારક તંત્ર બનાવવા માટે કહ્યુ હતુ. એ પણ નોંધનીય છે કે સરકારે ૨૫ ફેબ્રુઆરીએ નવા દિશાનિર્દેશો જારી કર્યા હતા.

કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યુ હતુ કે કેટલાક પ્લેટફોર્મ પર અનેક વખત અશ્લિલ બાબતો દર્શાવાય છે. જેમા સંતુલનની જરૃર છે. અમારો સવાલ એ છે કે કોઈ સ્ક્રિનીંગની જરૃર છે કે નહિ ? કારણ કે તમે સિનેમા હોલની જેમ ઘરમાં બેસીને બધુ જોઈ શકો છો. ફિલ્મ જોવાની પારંપરીક રીતે ધીમે ધીમે પ્રચલનથી બહાર જઈ રહી છે. લોકો હવે સિનેમાને બદલે ઘરમાં ફિલ્મ જોવે છે. બહાર જઈને જોવાતી ફિલ્મ માટે આપણી પાસે સેન્સર બોર્ડ છે પરંતુ ઓટીટી પર લગામ માટે કોઈ સેન્સર બોર્ડ નથી.

(3:06 pm IST)