મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

યાત્રીગણ કૃપયા ધ્યાન દે !

હવે રેલ્વેના જનરલ ડબ્બામાં પણ મળશે AC

નવી એસી જનરલ સેકન્ડ કલાસ કોચ કપૂરથાલા રેલ કોચમાં ફેકટરીમાં બનાવવામાં આવશે

નવી દિલ્હી,તા. ૫:ભારતીય રેલવે સામાન્ય માણસોની રેલ યાત્રાને ખૂબ જ આરામદાયક બનાવવાની યોજના બનાવી રહી છે. સામાન્ય માણસ માટે, રેલ પ્રવાસનો અનુભવ પૂરી રીતે બદલાઈ જશે. અમારા ભાગીદાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ વર્ષના અંત સુધીમાં રેલવે એર કંડિશન વાળા જનરલ સેકન્ડ કલાસ કોચ શરૂ કરશે. ઇકોનોમી એસી ૩-ટાયર કોચ લાવ્યા પછી હવે રેલવે અનરિઝર્વ્ડ બીજા વર્ગના કોચને એર કંડિશન્ડ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય રેલવે અનેક પરિવર્તન લાવવાની છે, જેનાથી સામાન્ય માણસની રેલવે મુસાફરીનો અનુભવ ખૂબ જ માણવાલાયક બનશે.

આ નવા એસી જનરલ સેકન્ડ કલાસ કોચ કપુરથલા રેલ કોચ ફેકટરીમાં બનાવવામાં આવશે. રેલ કોચ ફેકટરીના જનરલ મેનેજર રવિંદર ગુપ્તાએ કહ્યું છે કે આ પ્રોજેકટ ભારતમાં સામાન્ય માણસ માટે રેલ મુસાફરીનો ચહેરો બદલી નાખશે. એર કન્ડિશન સામાન્ય બીજા વર્ગની મુસાફરી એટલી તો આરામદાયક રહેશે કે જેટલી પહેલા કયારેય નહોતી. એસી જનરલ સેકન્ડ કલાસ કોચની ડિઝાઇનને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને રેલ કોચ ફેકટરીને આશા છે કે આ કોચ આ વર્ષના અંત સુધીમાં પાટા પર આવી જશે.

હાલના સમયમાં, લગભગ ૧૦૦ મુસાફરો બીજા વર્ગના જનરલ કોચમાં બેસી શકે છે, જે બનાવવા માટે લગભગ ૨.૨૪ કરોડનો ખર્ચ થાય છે. નવા જનરલ સેકન્ડ કલાસ કોચમાં પણ વધુ મુસાફરો બેસી શકશે. આમાં મુસાફરો માટે સારી સુવિધાઓ પણ ઉપલબ્ધ હશે. આ કોચનો ઉપયોગ લાંબા અંતરની મેલ અને એકસપ્રેસ ટ્રેનોમાં કરવામાં આવશે, જે કલાકના ૧૩૦ કિલોમીટરની ઝડપે દોડશે. નોન-એસી કોચ કલાકના ૧૧૦ કિલોમીટરની ગતિ કરતા વધુ ઝડપથી દોડી શકતા નથી.

ભારતીય રેલ્વે ટ્રેનની ગતિને વધારીને ૧૩૦ કિલોમીટર પ્રતિ કલાક કરવા જરૂરી ફેરફારો કરી રહી છે. આ અંતર્ગત સ્લીપર અને જનરલ કોચમાં એસી આપવામાં આવશે. તાજેતરમાં, રેલ કોચ ફેકટરીએ ઇકોનોમી એસી ૩-ટાયર કોચ લોન્ચ કર્યા હતા, જે મેઇલ અને એકસપ્રેસ ટ્રેનમાં સ્લીપર કલાસની જગ્યાએ લગાવવામાં આવી રહ્યા છે. ઇકોનોમી એસી કોચ કલાકના ૧૮૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. ભારતીય રેલ્વે ૨૦૨૨ ના અંત સુધીમાં ૨૪૮ ઇકોનોમી એસી કોચ બનાવશે.

છેલ્લે ભારતીય રેલવેએ જનરલ સેકન્ડ કલાસના એસી કોચને અપગ્રેડ કર્યા હતા અને અનારક્ષિત વર્ગના મુસાફરો માટે દીન દયાળુ કોચ રજૂ કર્યા હતા. આ કોચને ૨૦૧૬ માં લાવવામાં આવ્યા હતા. દીન દયાળુ કોચમાં મુસાફરોને લગેજ રેક, ગાદીવાળી સીટ, કોચ હૂક, એકવા ગાર્ડ સ્ટાઇલ વોટર ફિલ્ટરિંગ સિસ્ટમ, બાયો ટોઇલેટ, વધુ મોબાઈલ ચાર્જિંગ પોઇન્ટ, શૌચાલયમાં વ્યસ્ત સૂચક ઇન્ડિકેટર, જળ સ્તર સૂચક ઇન્ડિકેટર જેવી સુવિધા આપવામાં આવી હતી.

(10:25 am IST)