મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

રસીકરણ ટોપ ગીયરમાં: ગુરૂવારે ૧૧ લાખ જેટલા ડોઝ અપાયા

ભારતમાં પાછલા બે દિવસમાં મોટી સંખ્યામાં દેશના નાગરિકોને કોરોના રસી અપાઈ : રસીકરણ અભિયાનમાં બુધવાર અને ગુરુવારે ૫૦% વધારો નોંધાયો : ગુરુવારે સાંજે ૭ વાગ્યા સુધીમાં ૧.૭ કરોડ કોરોના રસીના ડોઝ અપાયા

નવી દિલ્હી, તા.૫: પાછલા બે દિવસથી બીજા તબક્કામાં આપવામાં આવી રહેલા રસીકરણમાં મોટી સંખ્યામાં લોકો રસી મેળવી રહ્યા છે. જેમાં સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલોમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે.

ગુરુવારે દેશમાં લગભગ ૧૧ લાખ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે, જયારે બુધવારે ૧૦ લાખ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી હતી.

દેશમાં લગભગ રોજના કોરોના વાયરસની રસીના ૫ લાખ ડોઝ આપવામાં આવતા હતા પરંતુ પાછલા ૨ દિવસમાં આ આંકડામાં ૫૦% જેટલો વધારો નોંધાયો છે. આ સમય દરમિયાન ૬૦થી ઉપરના દેશના નાગરિકો અને ૪૫-૫૯ વર્ષના કે જેઓ ગંભીર બીમારીઓથી પીડાય છે તેમને રસી આપવામાં આવી રહી છે.

ગુરુવારે સાંજના ૭ વાગ્યા સુધીમાં દેશમાં ૧૦.૯ લાખ લોકોએ કોરોના વાયરસની રસી લીધી છે. જેમાંથી ૪.૯ લાખ ડોઝ ૬૦ વર્ષથી ઉપરના નાગરિકોને આપવામાં આવ્યા છે, જયારે ૭૫,૧૪૭ ડોઝ એવા લોકોને અપાયા છે કે જેઓ ડાયાબિટિસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓ ધરાવે છે.

દેશમાં અત્યાર સુધીમાં ૧.૭ કરોડ લોકોને કોરોના વાયરસના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૬૮.૪ લાખ હેલ્થ વર્કર્સ, ૬૦.૨ લાખ ફ્રન્ટલાઈન વર્કર્સનો સમાવેસ થાય છે કે જેમણે રસીનો પહેલો ડોઝ લીધો છે. જયારે ૩૦.૮ લાખ હેલ્થ વર્કર્સ અને ૫૪.૧૭૭ ફ્રન્ટલાઈન વર્કર્સ છે કે જેમણે રસીનો બીજો ડોઝ લીધો છે. ૧૪.૯ લાખ સિનિયર સિટિઝન અને ૨.૨ લાખ ગંભીર બીમારીઓથી પીડાતા લોકોનો સમાવેશ થાય છે.

આ સિવાય દેશના કેટલાક રાજયોમાં કોરોના વાયરસનો વ્યાપ વધ્યો હોવાના કારણે રસીકરણ અભિયાનને વધુ ઝડપી બનાવવું મુશ્કેલ છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, તામિલ નાડુ, ગુજરાત અને કેરળનો સમાવેશ થાય છે, જયાં રોજના કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

(10:21 am IST)