મુખ્ય સમાચાર
News of Friday, 5th March 2021

ડાન્સ પે ચાન્સ ' : FIA ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટીકટ આયોજિત સોલો ડાન્સ કોમ્પિટિશન 2021 વિજેતાઓના નામ જાહેર : કોવિદ -19 રોગચાળાને કારણે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમને મળેલો અભૂતપૂર્વ આવકાર : આવતા વર્ષ માટેની અરજીઓ આ વર્ષે 1 ઓક્ટોબરથી સ્વીકારવાનું શરૂ થશે

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સ ઓફ ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટીકટ આયોજિત 37મી વાર્ષિક સોલો ડાન્સ કોમ્પિટિશન 2021 વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણીના  ભાગ રૂપે યોજાયેલી સગીર , જુનિયર, વરિષ્ઠ અને પુખ્ત વયના સ્પર્ધકો વચ્ચેની ચાર કેટેગરીની સ્પર્ધાનો     કાર્યક્રમ બે સપ્તાહના અંતરે યોજવામાં આવ્યો હતો. 13 અને 14 ફેબ્રુઆરીએ ઓડિશન બાદ ફાઇનલ્સ 20 અને 21 ફેબ્રુઆરીએ યોજવામાં આવી  હતી.

લગભગ ચાર દાયકા પહેલા શરૂ થયેલી, ડાન્સ પે ચાન્સ સ્પર્ધામા અત્યાર સુધીમાં આશરે 20,000 સ્પર્ધકો ભાગ લઇ ચુક્યા છે. જેમણે તેમના  બોલિવૂડ નૃત્ય કૌશલ્યનું પ્રદર્શન કર્યું છે. આ વખતે, રોગચાળાને કારણે આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ સમુદાયમાં ઉત્તેજના અકબંધ હતી. સમગ્ર ટીમના પ્રયત્નો અને સહભાગીઓના ઉત્સાહને લીધે, કોવિડ -19 સમયમાં પણ ડાન્સ પે ચાન્સ અમેરિકાનો સૌથી મોટો ઓનલાઇન  રિયાલિટી શો બન્યો હતો.

ઓડિશન્સમાં 200 સ્પર્ધકો  સાથે હરીફાઈની શરૂઆત થઈ હતી, જેમાંથી 26 સ્પર્ધકોની ફાઇનલ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.ફાયનલ રાઉન્ડ માટેના નિર્ણાયકો તરીકે સુવિખ્યાત  ભારતીય અભિનેત્રી અને નૃત્યાંગના સુધા ચંદ્રન, દક્ષિણ ભારતીય અભિનેત્રી અને કુચિપુડી નૃત્યાંગના લાયા ગોર્ટી અને બોલિવૂડ કોરિયોગ્રાફર ફિરોઝ ખાન હતા. નિષ્ણાંત જજ તરીકે  નૃત્ય નિર્દેશકો અને નર્તકો સ્વાતિ વૈષ્ણવ, પ્રશાંતિ મજમુન્દર અને અનિલ દિવાકર શામેલ હતા.

વિજેતાઓ :
 સગીર સ્પર્ધકોમાં રાયન સિદ્ધમસેટ્ટીવરને બેસ્ટ જાહેર કરવામાં આવેલ.ત્યારબાદ નયન નામપલ્લી અને ધિલન શેટ્ટીએ  બીજુ  અને ત્રીજુ  સ્થાન મેળવ્યું હતું .

જુનિયર કેટેગરીમાં, રિયા જૈને પ્રથમ ઇનામ મેળવ્યું હતું. જ્યારે આર્યપ્રસાદ અને સિમોન શાહે અનુક્રમે બીજા અને ત્રીજા ઇનામ મેળવ્યા હતા. રિયાને અમેરિકાની બેસ્ટ બોલિવૂડ ડાન્સર ઘોષિત કરાઈ હતી.

સિનિયર કેટેગરીમાં કેશવ અગીવાલ પ્રથમ ક્રમે , દિયા ભટ્ટ બીજા અને રિયા ચતુર્વેદી ત્રીજા સ્થાને વિજેતા જાહેર કરાયા હતા.

પુખ્ત વયના સ્પર્ધકો પૈકી  શ્રેયા બરાલે પ્રથમ , કિરણ કુમાર જાંધ્યાલાએ બીજું અને કેરોલ ચેટ્ટીઅરે ત્રીજું ઇનામ મેળવ્યું હતું.

એફઆઇએ એનવાય એનજે  સીટી પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલે ઘોષણા કરી હતી કે ડાન્સ પે ચાન્સના આવતા વર્ષ માટેની અરજીઓ આ વર્ષે 1 ઓક્ટોબરથી સ્વીકારવાનું શરૂ થશે. સફળતા પૂર્વ સંપન્ન થયેલા આ વર્ષના કાર્યક્રમ અંગે તેમણે  કહ્યું હતું કે આટલા અદભૂત કાર્યક્રમ માટે  બધા બાળકો અને તેમના માતાપિતાએ સખત મહેનત કરી છે, તેનો અમને આનંદ છે. જે રજૂ કરી શકવા માટે અમારી ટીમને ગૌરવ છે. એફ.આઈ.એ. આપણી નવી જનરેશનના બાળકો,  અને કલાકારોને પ્રોત્સાહન આપવા કટિબદ્ધ છે.ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા આવતા વર્ષે પ્રથમ ઇનામ 2,000 થી વધારીને 5000 ડોલર કરીશું.

 

આ તકે એફઆઈએ એનવાય એનજે સીટી ચેરમેન શ્રી અંકુર વૈદ્યએ જણાવ્યું હતું કે  “ડાન્સ પે ચાન્સ, અમેરિકાના શ્રેષ્ઠ બોલિવુડ ડાન્સર અને  પ્રજાસત્તાક દિનની ઉજવણી માટેનું પ્લેટફોર્મ છે. રોગચાળાને કારણે આ વર્ષે કાર્યક્રમ વર્ચુઅલ યોજવાની  ફરજ પડી હતી. સીડીસી માર્ગદર્શિકા અને કોવિડ સંબંધિત આદેશોનું ચુસ્ત પાલન કરીને આ સ્પર્ધા યોજવામાં આવી હતી. આપણા સમુદાયની પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે સમર્પિત વોલન્ટિયર્સની જહેમતને કારણે આયોજિત પ્રોગ્રામ માણવો તે બાબત  ખરેખર એક લહાવો છે. તેમણે મનોરંજક સ્પર્ધા માટે તમામ સહભાગીઓને તથા પ્રભાવશાળી પ્રદર્શન માટે આખી ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ડાન્સ પે ચાન્સ 2021 ચેર અને  એફઆઇએ એનવાય એનજે સીટી વાઇસ પ્રેસિડેન્ટ, શ્રી સૌરીન પરીખે ચોવીસ કલાક અથાક મહેનત કરનાર  સ્વયંસેવકોની ટીમનો આભાર માન્યો હતો.

ફેડરેશનના સેક્રેટરી શ્રી પરવીન બંસલે જણાવ્યું હતું કે, “અમને ખુશી છે કે વર્તમાન રોગચાળાની પરિસ્થિતિ અને મર્યાદાઓ હોવા છતાં અમે યુએસએમાં નૃત્ય સ્પર્ધા સાથે ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીની 37 વર્ષ  જૂની પરંપરા ચાલુ રાખી છે .તેવું શ્રી પરેશ ગાંધીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)