મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

હવે મોદી સરકાર ગાયોના વૈજ્ઞાનિક ફાયદા મામલે લોકોની લેશે પરીક્ષા

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા કામધેનું ગૌ વિજ્ઞાન પ્રચાર પ્રસાર પરીક્ષા લેવાશે : અંગ્રેજી - હિન્દી ઉપરાંત 12 અન્ય ભાષાઓમાં પરીક્ષા

નવી દિલ્હી : મોદી સરકાર હવે એક પરીક્ષા લાવી છે જેમાં ગાયો વિશેની વિવિધ બાબતોના પ્રશ્ન પૂછવામાં આવશે. માહિતી પ્રમાણે આ પ્રકારની આ પહેલી પરીક્ષા હશે અને કેન્દ્રીય પશુપાલન મંત્રાલયની અંતર્ગતન આવતું રાષ્ટ્રીય કામધેનુ આયોગ આ પરીક્ષા લેશે

દેશની કોઈપણ વ્યક્તિ આ પરીક્ષામાં સ્વેચ્છાએ હાજર રહી શકશે. જેઓ પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેઓએ કામધેનુ કમિશનની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. પરીક્ષા ચાર વિભાગમાં રહેશે. પ્રાથમિક સ્તરે, આઠમા વર્ગના વિદ્યાર્થીઓ માટે, ત્યારબાદ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે, ત્રીજા વર્ગમાં 12માં ધોરણથી વધુ આગળ માટે અને ચોથા વર્ગમાં સામાન્ય માણસો માટે પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. 

 આ પરીક્ષા માટે કોઈ ફી રહેશે નહીં. હિન્દી અને અંગ્રેજી ઉપરાંત, અન્ય 12 પ્રાદેશિક ભાષાઓમાં પણ આ પરીક્ષા લેવામાં આવશે. પ્રશ્નપત્ર 100 અંકનું હશે અને બધા પ્રશ્નો મલ્ટિપલ ચોઈસ ધરાવતા (ચાર વિકલ્પો સાથે) હશે. પરીક્ષા માટે એક અભ્યાસક્રમ અને અભ્યાસક્રમની સામગ્રી પણ તૈયાર કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં કામધેનુ આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે.

એક સમાચાર ચેનલ સાથે વાતચીત કરતાં આયોગના અધ્યક્ષ ડો. વલ્લભ કથીરિયાએ કહ્યું હતું કે પરીક્ષાનો હેતુ લોકોને ગાયોના વૈજ્ઞાનિક ફાયદાઓ વિશે જાગૃત કરવાનો છે. તેમણે જણાવ્યું કે આ પરીક્ષા ભવિષ્યમાં પણ દર વર્ષે લેવામાં આવશે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે જેઓ પરીક્ષા આપશે તેઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, જ્યારે પ્રથમ ત્રણ સ્થાને આવશે તેમને પણ એવોર્ડ આપવામાં આવશે.

આયોગના અધ્યક્ષ ડો. કથીરિયાએ ઇનકાર કર્યો હતો કે પરીક્ષાનો રાજકારણ અથવા હિન્દુત્વના એજન્ડા સાથે કોઈ સંબંધ છે. તેમણે દાવો કર્યો હતો કે વડા પ્રધાન  મોદી નિશ્ચિતપણે ઈચ્છે છે કે ભારતના લોકો દેશી ગાયોની ગુણવત્તા વિશે માહિતી મેળવે.

(11:27 pm IST)