મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

શક્તિસિંહ ગોહિલ બિહારના પ્રભારીની ફરજ મુક્ત:ભક્ત ચરણ દાસ નવા પ્રભારી

શક્તિસિંહ ગોહિલે ફરજમાંથી મુક્ત થવા લખ્યો હતો પત્ર

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શક્તિસિંહ ગોહિલને બિહારના કોંગ્રેસ પ્રભારી તરીકેની ફરજમાંથી મુક્ત કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે ભક્ત ચરણ દાસને બિહારના પાર્ટી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ દિલ્હીના પ્રભારી તરીકે કામ કરતા રહેશે.

બિહારના કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે હાઇકમાન્ડ સમક્ષ પાર્ટીના પદો પરથી મુક્ત થવા માટે અપીલ કરી હતી. શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખી સ્વાસ્થ્ય કારણોસર પ્રભારી પદો પરથી મુક્ત કરવાનો આગ્રહ કર્યો હતો.

 ગોહિલે પોતાના પત્રમાં લખ્યું હતું કે, કોરોના સંક્રમિત થવાના કારણે તેમને લાંબો સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. હાલ તેમના સ્વાસ્થ્યમાં સામાન્ય સુધારો થયો છે, પરંતુ ઉધરસ અને શ્વાસ લેવામાં હજુ પણ તકલીફ છે. આ બધા કારણોસર તેમને બિહાર પ્રભારી પદ પરથી મુક્ત કરી દેવામાં આવે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. એવામાં સંભાવના હતી કે, બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલની જગ્યાએ પાર્ટી મહાસચિવ અને મુખ્ય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાને બિહારની જવાબદારી સોંપવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી માત્ર 19 બેઠકો પર જ પાર્ટીની જીત થઈ હતી.

(10:04 pm IST)