મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

સુપ્રિમે કેન્દ્રને એનીમલ એકટ ૧૯૬૦માં સુધારા કરવા કહ્યું

ટ્રાન્સ્પોર્ટીંગ દરમિયાન જપ્ત કરવામાં આવતા પ્રાણીઓ અંગેનો નિયમ સુધારો અથવા રદ કરો

નવી દિલ્હી તા. ૫ : સુપ્રિમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને પ્રીવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનીમલ્સ એકટ ૧૯૬૦ હેઠળ થયેલ કેસની સુનાવણી દરમિયાન વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોના પ્રાણીઓ જપ્ત કરવાના નિયમો રદ્દ કરવા અથવા સુધારા કરવા કહ્યું છે.

૨૦૧૭માં બનાવાયેલ કાયદા હેઠળ મેજીસ્ટ્રેટને આ કાયદા હેઠળ જેની સામે કેસ ચાલતો હોય તેવા માલિકના પ્રાણીઓ જપ્ત કરવાની પરવાનગી મળે છે. આ પ્રાણીઓને પછી એનીમલ શેલ્ટરમાં મોકલી આપવામાં આવે છે. આનો અર્થ એ થાય કે એક ખેડૂત અથવા વેપારી પોતાનો ગુનો આ કાયદા હેઠળ સાબિત થાય તે પહેલા જ પોતાના પ્રાણીઓ ગુમાવી દે છે.

ભેંસોના વેપારીઓના એક એસોસીએશને આ કાયદાની બંધારણીય વૈધતાને સુપ્રીમમાં પડકારી હતી. વેપારીઓએ એમ પણ કહ્યું હતું કે, આના કારણે સમાજમાં કોમી વૈમનસ્ય ઉભું થાય છે.

કોર્ટે કહ્યું કે, પ્રાણીઓ આપણા જીવનનો એક સ્ત્રોત છે. આપણે આમાં કૂતરા - બિલાડીની વાત નથી કરતા. ઘણાં લોકોનું જીવન પશુઓ પર આધારિત હોય છે. તમે તેનો ગુનો સાબિત ન થાય ત્યાં સુધી તેના પ્રાણીઓ જપ્ત કરીને તમારી પાસે ન રાખી શકો. તમારા કાયદાઓ વિરોધાભાસી છે. તમે કાં તો તેને સુધારો અથવા રદ્દ કરો.

ભારતમાં ૨૦૧૯-૨૦થી ભેંસોનો વેપાર અને વધ કાયદેસર છે. ભારતે ૧૧ લાખ ૫૦ હજાર ટન ભેંસોનું માસ જેની કિંમત ૨૨૬૬૮ કરોડ રૂપિયા છે. નિકાસ કર્યું છે. ભેંસના માંસનું ઉત્પાદન કરતા રાજ્યોમાં યુપી ટોચ પર છે, ત્યાર પછી આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને પંજાબ આવે છે. દેશભરમાં લાખો પ્રાણીઓનું ટ્રાન્સપોર્ટેશન થાય છે પણ માર્ચ ૨૦૧૭માં નવા કાયદાઓ આવ્યા પછી ઘણા રાજ્યોમાં વીજીલન્ટ ગ્રુપો વેપારીઓને રોકે છે. વીજીલન્ટીઝમમાં વધારો થવાના કારણે પ્રાણીઓના વેપારને અસર પહોંચી છે.

(3:18 pm IST)