મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ભોપાલમાં 'જુદાઇ' ફિલ્મ જેવી ડિલ

પતિને થઇ ગયો ઓફિસમાં પ્રેમઃ પ્રેમિકા પાસેથી દોઢ કરોડ લઇ પત્નિ છુટાછેડા આપવા તૈયાર

ભોપાલ, તા.૫: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં 'જુદાઇ' ફિલ્મ જેવી એક અનોખી ડીલમાં પ્રેમિકાએ ૧.૫૦ કરોડ રૂપિયા ખર્ચીને પોતાનો પ્રેમ ખરીદી લીધો. ચોંકાવનારી વાત એ છે કે આ ડીલ ફેમિલી કોર્ટ દ્વારા થઈ. અને સૌથી મોટું આશ્ચર્ય આ ડીલથી તમામ પક્ષો ખુશ પણ છે. પ્રેમિકા પોતાનો પ્રેમી મેળવીને ખુશ છે, તો માતા પોતાની દીકરીઓની આર્થિક સુરક્ષા જોઈને સંતુષ્ટ છે. દીકરી ખુશ છે કે હવે ઘરમાં ઝઘડા નહીં થાય અને તેના પિતા પણ પ્રસન્ન હતા કારણ કે હવે તેને પોતાની પ્રેમિકાને ચોરી-છૂપી ઓફિસમાં નહીં મળવું પડે.

ભોપાલ ફેમિલી કોર્ટ દ્વારા થયેલી આ ડીલમાં પ્રેમિકાએ પોતાના પ્રેમીની પત્નીને એક ડુપ્લેકસ ઘર અને ૨૭ લાખ રૂપિયા રોકડા આપ્યા. બદલામાં પત્ની પોતાના પતિને છોડવા માટે રાજી થઈ ગઈ કારણ કે આ પૈસાથી તે પોતાની દીકરીઓને આર્થિક સુરક્ષા આપી શકશે.

જાણકારી મુજબ, ફેમિલી કોર્ટમાં એક ૧૬ વર્ષની દીકરીએ દ્યરમાં થતા રોજના ઝઘડા વિશે ફરિયાદ કરી હતી. તેણે ફરિયાદમાં કહ્યું કે, તેના પિતાનું ઓફિસમાં કામ કરતી મહિલા સાથે અફેર ચાલી રહ્યું છે. આ કારણે ઘરમાં માતા-પિતા વચ્ચે અવારનવાર ઝદ્યડા થાય છે, જેની ખરાબ અસર તેની બહેન પર પણ પડી રહી છે, જે માત્ર ૧૨ વર્ષની છે.

દીકરીએ જણાવ્યું કે પપ્પાની પ્રેમિકા તેમની સાથે ઘરમાં રહેવાની જીદ કરી રહી હતી. આ કારણે ઘરમાં થનારા ઝઘડાઓ વધુ થઈ ગયા હતા. માતા કોઈપણ સ્થિતિમાં તે મહિલાને પોતાના ઘરમાં રાખવા માટે તૈયાર નહોતી, જયારે પિતા તેને દ્યરમાં રાખવાની વાત પર અડી ગયા હતા.

ફેમિલી કોર્ટમાં પતિ, પત્ની અને પ્રેમિકાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ દરમિયાન પત્નીએ પોતાની બે દીકરીઓના ભવિષ્યનું કારણ સામે આપ્યું તો પ્રેમિકાએ તેને પોતાનું મકાન અને જીવન ભરની કમાણી રોકડામાં આપવાની ઓફર આપી. પત્નીએ તેને સ્વીકારી લીધી અને પ્રેમિકાએ લગભગ દોઢ કરોડ રૂપિયામાં આ ડીલ પાક્કી કરી લીધી.પત્નિનું કહેવું છે કે જયારે પતિ જ સાથે રહેવા માટે તૈયાર નથી તો જિદ કરવાનો કોઈ મતલબ નહોતો. બંને ૧૮ વર્ષથી પરિણીત હતા, પરંતુ તેમના સંબંધોમાં કડવાશ વધી ગઈ હતી. તેને પોતાની દીકરીઓના ભવિષ્ય માટે પૈસાની જરૂર હતી. આથી તેણે ડીલ માટે હા પાડી દીધી.

(3:10 pm IST)