મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ગાઝિયાબાદ સ્મશાન દુર્ઘટનામાં જૂનિયર એન્જિનિયર સહિત ત્રણની ધરપકડ કરાઈ

મુરાદનગરમાં સ્મશાન ગૃહ દુર્ઘટનામાં 24 ડાઘુઓના મોત થયા

ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના મુરાદનગરમાં સ્મશાન ગૃહ દુર્ઘટનામાં 24 ડાઘુઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે અનેક ઈજાગ્રસ્ત લોકો જુદી જુદી હોસ્પિટલમાં દાખલ છે. ત્યારે તંત્રની લાલિયાવાડીએ નિર્દોષ લોકોનો ભોગ લેતા સ્થાનિકો  રસ્તા પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે યોગી સરકાર એકશનમાં આવી હતી. એટલુ જ નહીં સ્મશાન ગૃહમાં ગેલેરીના તકલાદી બાંધકામ માટે જવાબદાર લોકોની ધરપકડનો દૌર શરૂ કર્યો છે. દુર્ઘટનાના કેસમાં એક જુનિયર એન્જિનિયર ચંદ્રપાલ સહિત કુલ ત્રણ લોકોને પોલીસે લોકઅપ ભેગા કર્યા છે.

મુરાદનગરમાં સ્મશાન ગૃહમાં રવિવારે એક વૃધ્ધ ફળોના વેપારીની અંત્યેષ્ઠિમાં ગયેલા ડાઘુઓએ વરસાદ પડતા એક ગેલેરી તળે આશરો લીધો હતો. આ સમયે જ પત્તાના મહેલની જેમ ગેલેરીની છત જમીનદોસ્ત થઈ ગઈ હતી. નવનિર્મિત છત અચાનક કડડભૂસ થતા 24 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 17થી વધુ ઘાયલ થયા છે. જે હાલ ગાઝિયાબાદ અને મોદીનગરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નગર પાલિકામાં ખાયકીના ખેલમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનામાં મુરાદનગર નગરપાલિકાના મુખ્ય અધિકારી નિહારિકા સિંહ, કોન્ટ્રાક્ટર અજય ત્યાગી, બાંધકામ શાખાના જૂનિયર એન્જિનિયર ચંદ્રપાલ, સુપરવાઈઝર આશિષ સહિત અને જવાબદાર કર્મચારીઓ સામે ઈપીકોની કલમ 304, 337, 338, 427, 409 અન્વયે ગુનો નોંધવામાં આવ્યો છે.

(11:53 am IST)