મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

Pfizer વેકિસન લીધા બાદ પોર્ટુગલમાં હેલ્થ વર્કરનું મોત

ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ વેકિસનની સાઇડ ઇફેકટના કેસ આવ્યા

નવી દિલ્હી,તા. ૫: દેશમાં અનેક વેકિસનને મંજૂરી મળી રહી છે ત્યારે પોર્ટુગલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ફાઈઝરની વેકિસન લીધા બાદ હેલ્થ વર્કરનું અચાનક મોત થયાનો પહેલો કેસ નોંધાયો છે. ૩૦ ડિસેમ્બરે વેકિસન લીધા બાદ ૧ જાન્યુઆરીએ તેનું મોત થયું હતું. આ સિવાય ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ વેકિસનની સાઈડ ઈફેકટના કેસ સામે આવી રહ્યા છે.

હાલમાં જ પોર્ટુગલના હેલ્થ વર્કર સોનિયાની ઓટોપ્સી કરાઈ છે અને મોતનું કારણ નક્કી કરાઈ રહ્યં છે. બ્રિટન બાદ ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપની ફાઈઝરની કોરોના વેકસીનની સાઈડ ઈફેકટના કેસ આવી રહ્યા છે જેને લઈને ફરીથી એક વાર ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે.

મળતી માહિતી અનુસાર સોનિયા પોર્તો શહેરના  Portuguese Institute of Oncology માં કામ કરી રહી હતી. તેઓને કોઈ ગંભીર બીમારી કે સાઈડ ઈફેકટ ન હતી. વેકિસન લેતા પહેલાં તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતી. સોનિયાના પિતા સબિલિયો અસેવેડોએ માહિતી આપતાં કહ્યું કે તે પહેલાં એકદમ સ્વસ્થ હતી. તેને હેલ્થ રીલેટેડ કોઈ તકલીફ ન હતી. તેને કોરોનાના કોઈ લક્ષણો પણ ન હતા અને એક દિવસ પહેલાં તેને કોરોનાની વેકિસન આપવામાં આવી હતી. તેઓએ કહ્યું કે તેને શુ થયું કે તેનું મોત થઈ ગયું તેનો મને જવાબ જોઈએ છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ૨ બાળકોની માતા પણ હતી.

પોર્ટુગલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઓનકોલોજીએ નિવેદન જાહેર કરતાં કહ્યું છે કે સોનિયાને ૩૦ ડિસેમ્બરે વેકિસન અપાઈ હતી અને ૧ જાન્યુઆરીએ તેનું મોત થયું. સોનિયામાં વેકિસન લીધા બાદ કોઈ સાઈડ ઇફેકટ જોવા મળી ન હતી. તેના મોતનું કારણ શોધવામાં આવી રહ્યું છે. સોનિયાના હેલ્થ રેકોર્ડ અનુસાર તે સ્વસ્થ હતી.

અન્ય તરફ ફિનલેન્ડ અને બુલ્ગારિયામાં પણ અમેરિકી કંપની ફાઈઝરની વેકિસનના સાઈડ ઈફેકટના કેસ આવી રહ્યા છે. ડ્રગ એજન્સીમા અનુસાર ૪ લોકોમાં વેકિસનના સાઈડ ઇફેકટ જોવા મળ્યા છે અને સાથે કહેવાયું છે કે જે લોકોમાં વેકિસનની સાઈડ ઈફેકટના કેસ જોવા મળ્યા છે તેમાં ૨ને પહેલાથી દર્દ અને અન્ય ૨ના પહેલાંથી સુસ્તી અને તાવની તકલીફ જોવા મળી હતી.

આ પહેલાં પણ ફિનલેન્ડમાં ૫ લોકોને ગંભીર સાઈડ ઈફેકટ થયા હોવાનું સામે આવ્યું છે. ફાઈઝરને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ આખી દુનિયામાં ઈમરજન્સી યૂઝ માટે અપ્રૂવ કરી રાખ્યું છે. બ્રિટનમાં પણ ૨ હેલ્થ વર્કરમાં આ વેકિસનની સાઈડ ઇફેકટના ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા. આ પછી દુનિયાભરમાં ફાઈઝરે એલર્જી સાથે જોડાયેલા  દર્દીઓને કોરોના વેકિસન માટે ઉપયોગ સંબંધી એડવાઈઝરી પણ જાહેર કરી હતી.

(11:18 am IST)