મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

ચીને વિશ્વયુદ્ઘની તૈયારી શરૂ કરી?: સૈન્યને અપાર શકિત આપતો કાયદો ઘડાયો

નવા કાયદા પ્રમાણે નાગરિકોના રક્ષણ અને દેશહિતના બહાને જિનપિંગ ગમે ત્યારે ગમે તેની સાથે યુદ્ઘ જાહેર કરી શકશે

બેઈજિંગ, તા.૫: ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનને વધારે શકિત આપવા માટે ચીનની સત્તાધારી પાર્ટીએ કાયદામાં સુધારો કર્યો છે. પ્રમુખ શિ જિનપિંગે એ કાયદામાં સહી કરી દેતા હવે મિલિટરી કમિશનના અધ્યક્ષ શિ જિનપિંગને યુદ્ઘનો આદેશ આપવા માટેની અપાર સત્તા મળી ગઈ છે.

ચીનની લશ્કરી ગતિવિધિ પર નજર રાખતા વિશ્વભરના નિષ્ણાતો એવી દહેશત વ્યકત કરી રહ્યા છે કે ચીન વિશ્વયુદ્ઘની તૈયારીમાં પડયું છે. લદાખથી દક્ષિણ ચીની સમુદ્ર સુધી ચારેબાજુ ચીનની આર્મી કવાયતમાં વ્યસ્ત છે. બધી જ સરહદે ચીને એક યા બીજી રીતે વિવાદ સર્જી દીધો છે. લદાખ સરહદે તંગદિલી સર્જનારા ચીનને દક્ષિણ ચીની સમુદ્રમાં કેટલાય દેશો સાથે ઘર્ષણ ચાલી રહ્યું છે. આ બધા વચ્ચે ચીનમાં આ સપ્તાહથી નવો કાયદો બન્યો છે. ચીનના પ્રમુખ શિ જિનપિંગે નેશનલ ડિફેન્સ લોમાં સુધારો કરીને સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષને યુદ્ઘ જાહેર કરવાની અપાર સત્ત્।ા આપી દીધી છે. સેન્ટ્રલ મિલિટરી કમિશનના અધ્યક્ષ શિ જિનપિંગ જ છે. એટલે કે જિનપિંગે કાયદામાં ફેરફાર કરીને જિનપિંગને જ સત્તા આપી છે.

નવા કાયદા પ્રમાણે નાગરિકોના રક્ષણ અને દેશહિતના બહાને જિનપિંગ ગમે ત્યારે ગમે તેની સાથે યુદ્ઘ જાહેર કરી શકશે. એના માટે તેણે સત્તાધારી પાર્ટી, લશ્કરી અધિકારીઓ કે બીજા કોઈની પણ પરવાનગી લેવી પડશે નહીં. સામાન્ય રીતે ચીનમાં પ્રમુખે યુદ્ઘમાં જોતરાતા પહેલાં સેન્ટ્રલ મિલિટરી કમિશનનો વિશ્વાસમત મેળવવો પડે છે, પરંતુ ચીનની આંતરિક વ્યવસ્થા જ એવી છે કે એ કમિશનમાં બધા જ પ્રમુખના નજીકના માણસો ગોઠવવામાં આવે છે.

આ નવા કાયદાની અસર એ થશે કે હવે ચીનમાં સૈન્ય નીતિ ઘડવા માટે સ્ટેટ કાઉન્સિલની ભૂમિકા ઘટી જશે. બધી જ સત્તા સેન્ટ્રલ મિલિટરી કમિશનને મળી ગઈ છે. ચીનના સરકારી મીડિયાએ પણ જિનપિંગને શકિતશાળી પ્રમુખ ગણાવીને દેશહિતમાં જરૂર પડયે યુદ્ઘ માટે ચીની લશ્કર તૈયાર હોવાનું જણાવ્યું હતું. ચીનની સંરક્ષણ હિલચાલ પર નજર રાખનારા નિષ્ણાતોના મત પ્રમાણે ચીને છેલ્લાં થોડા સમયથી બધી જ સરહદે લશ્કરી કવાયત વધારી દીધી છે.

(10:13 am IST)