મુખ્ય સમાચાર
News of Tuesday, 5th January 2021

વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

સાઉથ આફ્રિકાનો કોરોના સ્ટ્રેન વધુ ઘાતકઃ વેકિસનને નિષ્ફળ બનાવી શકે છે

ડરબી,તા. ૫: કોરોના વાયરસથી ત્રાહિમામ પોકેલા વિશ્વને વેકિસનથી ઘણી મોટી આશા છે અને ઘણા દેશોમાં રસીકરણ શરૂ પણ થઈ ગયું છે. જોકે, હવે ઓકસફોર્ડની કોવિડ વેકિસન તૈયાર કરવામાં મદદ કરનારા વૈજ્ઞાનિકે જણાવ્યું છે કે સાઉથ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેઈન વધારે ચેપી છે અને તે વેકિસનને બિનઅસરકારક બનાવી શકે છે. ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર સર જહોન બેલે જણાવ્યું છે કે સાઉથ આફ્રિકાનો સ્ટ્રેન વધારે ખતરનાક છે. માનવામાં આવી રહ્યું છે કે હાલમાં યુકેમાં કહેર વર્તાવનારા કોરોના નવા સ્ટ્રેન સામે આ વેકિસન અસરકારક છે.

હાલમાં યુકેમાં કોરોના માટેનું રસીકરણ ચાલી રહ્યું છે. યુકેમાં ફાઈઝરની વેકિસન ઉપરાંત ઓકસફોર્ડની વેકિસનને મંજૂરી આપવામાં આવી છે. આ વેકિસન યુકેમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા સ્ટ્રેન VUI 202012/01 સામે અસરકારક છે તેવું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જહોન બેલનું કહેવું છે કે બ્રિટનમાં બે સ્થળોએ મળેલો સાઉથ આફ્રિકન સ્ટ્રેન ૫૦૧.V2 પોતાના પ્રોટિનના માળખામાં સતત પરિવર્તન કરે છે જેના કારણે વેકિસન તેની સામે નિષ્ફળ રહી શકે છે.

કોવિડ વેકિસન ઈમ્યુન સિસ્ટમને વાયરસ સામે કેવી રીતે લડવું તે શીખવાડીને રક્ષણ કરે છે. વેકિસન એન્ટિબોડીઝ બનાવે છે- રોગ સામે લડતા પ્રોટીન બનાવે છે અને ભવિષ્યમાં રોગ સામે લડવા માટે તેમના સ્પાઇક પ્રોટીનને સંગ્રહિત કરે છે. ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે સર જહોને ટાઈમ્સ રેડિયોને જણાવ્યું હતું કે, સાઉથ આફ્રિકન ફોર્મનું મ્યુટેશન મહત્વનું છે જે પ્રોટિના સ્ટ્રકચરમાં ફેરફાર કરે છે. મારું માનવું છે કે કેન્ટ સ્ટ્રેનમાં વેકિસન અસરકારક રહેશે પરંતુ સાઉથ આફ્રિકન સ્ટ્રેન અંગે હું કંઈ કહી શકું તેમ નથી. આ સ્ટ્રેન સામે વેકિસન કામ કરશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે.

બ્રિટનમાં ડિસેમ્બરમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હતો અને તેના કારણે બ્રિટનમાં કેસની સંખ્યામાં ઘણો મોટો ઉછાળો આવ્યો છે. ત્યારબાદ આ સ્ટ્રેન વત્ત્।ાઓછા પ્રમાણમાં અન્ય દેશોમાં પણ ફેલાયો હતો. ઘણા દેશોએ બ્રિટનમાં આવતી-જતી ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયા, ઈટાલી, આઈસલેન્ડ, સ્પેન અને નેધરલેન્ડ્સ જેવા દેશોમાં યુકે સ્ટ્રેનના કેસ ફેલાયા છે. ભારતમાં પણ તેના કેટલાક કેસ જોવા મળ્યા છે. જયારે કોવિડના નવા સ્ટ્રેનમાં સાઉથ આફ્રિકામાં તથા નાઈજિરિયામાં જોવા મળ્યા છે. તેમાં પણ સાઉથ આફ્રિકાનો સ્ટ્રેન યુકેના સ્ટ્રેન કરતા પણ વધારે ખતરનાક અને ચેપી છે.

બ્રિટનમાં હાલમાં કોરોનાનું વેકિસનેશન ચાલી રહ્યું છે. બ્રિટનમાં ફાઈઝરની કોવિડ વેકિસનને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ઓકસફોર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરવામાં આવેલી કોવિશીલ્ડને પણ મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના નવા સ્ટ્રેનથી બ્રિટનની ચિંતાઓ વધી ગઈ છે અને સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવાની ચર્ચા પણ ચાલી રહી છે.

(9:28 am IST)