મુખ્ય સમાચાર
News of Friday, 5th January 2018

જીડીપી ગ્રોથ ૬.૫ ટકાની આસપાસ રહેશે : સરકાર

એક વર્ષ અગાઉની સરખામણીમાં ગ્રોથરેટ ઘટશે : ગયા વર્ષે જુલાઈ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી બનાવી દેવામાં આવ્યા બાદથી આર્થિક પ્રવૃત્તિને અસર

નવી દિલ્હી,તા. ૫ : ભારત સરકારે આજે કહ્યું હતું કે, માર્ચમાં પુરા થઇ રહેલા નાણાંકીય વર્ષમાં આર્થિક વિકાસદર ઘટીને ૬.૫ ટકા સુધી રહી શકે છે. અગાઉના વર્ષમાં ૭.૧ ટકાની આસપાસ રહ્યો હતો. મોટાભાગના ખાનગી અર્થશાસ્ત્રીઓ ૨૦૧૭-૧૮માં નાણાંકીય વર્ષ માટે ભારતની ગ્રોથ આગાહી ૬.૨થી ૬.૫ ટકા સુધી રહેવાની વાત કરી રહ્યા છે. વૈશ્વિક મંદી અને જીએસટીની અસર સ્પષ્ટપણે દેખા રહી છે. આજે શુક્રવારના દિવસે સરકાર દ્વારા આંકડા જારી કરવામાં આવ્યા હતા. અર્થતંત્ર માટે આ સારા સંકેત સમાન છે. ભારતીય અર્થતંત્ર જૂન ત્રિમાસિક ગાળામાં ૫.૭ ટકાના જીડીપી ગ્રોથથી હવે રિકવર થઇને આગળ વધી રહ્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટનો આંકડો ૬.૩ ટકા રહ્યો હતો. કૃષિ ગ્રોથરેટનો આંકડો અગાઉના નાણાંકીય વર્ષમાં ૪.૯ ટકાની સરખામણીમાં ૨.૧ ટકા રહ્યો હતો. છેલ્લા બે વર્ષમાં આંકડા સાથે નવા આંકડાને ગણવામાં આવે તો સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. કેન્દ્ર સરકાર કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીના દિવસે પરંપરા શરૂ કરી છે. જે અગાઉ ફેબ્રુઆરીના અંતમાં રજૂ કરવાની પરંપરા હતી. બિઝનેસ પ્રવૃત્તિઓને લઇને જુલાઈ મહિનામાં જીએસટી વ્યવસ્થા અમલી બનાવવામાં આવ્યા બાદ ફટકો પડ્યો હતો. આની અસર હજુ પણ દેખાઈ રહી છે. બજેટને લઇને એડવાન્સ ગણતરીઓ સરકાર તરફથી કરવામાં આવી રહી છે. જીડીપીના આંકડાને લઇને હંમેશા કારોબારીઓ પણ નજર રાખે છે. આ વખતે આશાસ્પદ સ્થિતિ દેખાઈ રહી છે. સરકાર માને છે કે જીડીપી ગ્રોથ રેટ ૬.૫ ટકા રહેશે.

(7:39 pm IST)