મુખ્ય સમાચાર
News of Saturday, 4th December 2021

૨૮ રૂપિયાનું ઊધાર ચૂકવવા પૂર્વ અધિકારી ભારત આવ્યા

ઊધાર ચૂકવવામાં આનાકાની કરનારા માટે દાખલારૂપ કિસ્સો : હિસારના દુકાનના માલિકના દાદાને ઉપ્પલને ૧૯૫૪માં ૨૮ રુપિયા આપવાના બાકી હતા, ૧૦૦૦૦ ચુકવ્યા

નવી દિલ્હી, તા.૪ : મુસીબતના સમયે ઉધાર લીધેલા પૈસા કે લોન પાછી ચુકવવામાં આનાકાની કરનારાઓ  માટે ભારતીય નૌસેનાના એક નિવૃત્ત અધિકારીએ દાખલો બેસાડ્યો છે.

હરિયાણાના રહેવાસી અને હાલમાં અમેરિકા સ્થાયી થયેલા પોતાના પુત્ર સાથે રહેતા કોમોડોર બી એસ ઉપ્પલ ૨૮ રુપિયાનુ ઉધાર ચુકવવા માટે ૬૮ વર્ષ બાદ અમેરિકાથી ભારત આવ્યા હતા અને ૨૮ રુપિયાના બદલામાં ૧૦૦૦૦ રુપિયા ચુકવ્યા હતા.

નૌસેનાના  નિવૃત્ત અધિકારી ઉપ્પલ ૮૫ વર્ષના છે.તેઓ હરિયાણાના હિસાર શહેરના એક મિઠાઈની દુકાનના સંચાલક વિનય બંસલની પાસે ગયા હતા અને કહ્યુ હતુ કે, તમારા દાદા શંભુ દાયલને મારે ૧૯૫૪માં ૨૮ રુપિયા આપવાના બાકી હતી.પણ મારે શહેરથી બહાર જવુ પડ્યુ અને બાદમાં હું નૌસેનામાં ભરતી થઈ ગયો હતો.એ પછી હિસાલ આવવાનો મોકો મળ્યો નહોતો.નિવૃત્ત થયા પછી હું સીધો મારા પુત્ર પાસે અમેરિકા જતો રહ્યો હતો.

તેમણે દુકાનના સંચાલકને કહ્યુ હતુ કે, તમારુ ઉધાર ચુકવવા માટે અને હું જે સ્કૂલમાં ભણ્યો હતો તેને જોવા માટે ખાસ હું ભારત આવ્યો છું.

ઉપ્પલે જ્યારે ૧૦૦૦૦ રુપિયા વિનય બંસલના હાથમાં મુક્યા ત્યારે તેમણે લેવાનો ઈનકાર કરી દીધો હતો .પણ ઉપ્પલે કહ્યુ હતુ કે, મારા પર તમારી દુકાનનુ ઋણ છે અને મને ઋણ મુક્ત કરવા તમારે આ પૈસા રાખવા પડશે.બહુ આગ્રહ બાદ બંસલે આ રકમ સ્વીકારી હતી.

(9:15 pm IST)