મુખ્ય સમાચાર
News of Saturday, 4th December 2021

સિંધુ બોર્ડર પર આજે ખેડૂતો સંગઠનોની બેઠક

આશા છે સમાધાન થઇ જવું જોઇએ : રાકેશ ટિકૈત

સીડ બિલ, ટ્રેકટર, વીજળી, કમિટિની રચના જેવા મુદ્દાઓ પર એકમત થવાની શકયતા

નવી દિલ્હી તા.૪ : સિંધુ બોર્ડર પર આજે ખેડૂત સંગઠનોની બેઠક યોજાવાની છે તેના પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે એક મહત્વનું નિવેદન આપ્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, આશા છે કે, આજની બેઠકમાં કોઈ સમાધાન નીકળવું જોઈએ. આજની બેઠકમાં સંયુકત કિસાન મોરચાની સમગ્ર ટીમ અને તેના સાથે સંકળાયેલા તમામ સંગઠનો ઉપસ્થિત રહેશે. વધુમાં જણાવ્યું કે, કૃષિ કાયદાને છોડી દઈએ તો ૪દ્મક ૫ મોટા મુદ્દાઓ છે. તેમાં એમએસપી, ખેડૂતો વિરૂદ્ઘ નોંધાયેલા કેસ, કેન્દ્રીય મંત્રી ટેની વિરૂદ્ઘની કાર્યવાહી અને સરકાર દ્વારા ટ્રેકટર જપ્ત કરવામાં આવ્યા તેનો સમાવેશ થાય છે. જો આ મામલે કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો તો આંદોલન પૂરૂ થઈ જશે.

અગાઉ શુક્રવારના રોજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના ઘરે રાજય સરકાર સાથેની લાંબી બેઠક યોજાઈ હતી પરંતુ તેનું કોઈ પરિણામ નહોતું આવ્યું. રાજય સરકારે ખેડૂતો વિરૂદ્ઘ નોંધાયેલા કેસ પાછા ખેંચવા સહિતની અન્ય માગણીઓ પર વિચારણા કરવા માટે ખેડૂત નેતાઓને બોલાવ્યા હતા. જોકે તેનું કોઈ પરિણામ નહોતું મળ્યું. ખેડૂત નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ જણાવ્યું કે, આટલી લાંબી બેઠક બાદ પણ કોઈ સહમતિ નથી સધાઈ. સરકારે નરમી કે ગરમી કશું જ ન દેખાડ્યું.

ત્યાર બાદ રાકેશ ટિકૈતનું આ નિવેદન સામે આવ્યું છે. ટિકૈતે કહ્યું હતું કે, આજે એસકેએમની બેઠકથી કેટલીક આશાઓ છે. કમિટી બનાવવાની વાત છે અને બીજા મુદ્દાઓ અંગે ચર્ચા થશે. આજની બેઠકમાં સીડ બિલ, ટ્રેકટર, વીજળી, કમિટીની રચના અંગે વાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આંદોલન આ ૪-૫ મુદ્દાઓ પર જ પૂરૂ થઈ જશે તે વાતને લઈ સૌ એકમત છે.

(3:30 pm IST)