મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

હિંદ મહાસાગરમાં ચીનનાં ત્રણ યુદ્ધજહાજ તૈનાત : નૌકાદળ સામનો કરવા તૈયાર : નૌકાદળ વડા

આ મહિનાના અંત સુધીમાં સ્કોર્પિઓન સબમરીન નૌકાદળને મળી જશે

નવી દિલ્હી : નૌકાદળના વડા એડમિરલ કરમવીરસિંહે કહ્યું છે કે હિંદ મહાસાગર વિસ્તારમાં ચીનના ત્રણ યુદ્ધજહાજની હાજરી છે. આજે નેવી ડેની ઉજવણી થવાની છે તેની પૂર્વ સંધ્યાએ પત્રકાર પરિષદ યોજીને સિંહે નૌકાદળની તૈયારી અને પડકારો વિષે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે દેશ સમક્ષ કોવિડ-19 અને ચીન જેવા બે પડકારો રહેલા છે અને નૌકાદળ બંને પડકારોનો સામનો કરવા તૈયાર છે. સિંહે કહ્યું કે બે મોરચા પર મુકાબલા જેવી સ્થિતિ છે. કોવિડ મહામારી વચ્ચે ચીન વાસ્તવિક અંકુશરેખાને બદલવા પ્રયાસશીલ છે. પરંતુ નૌકાદળ બંને મોરચે જવાબ આપવા તૈયાર છે. ચીન અને ભારત વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી મુદ્દે તેમણે જણાવ્યું હતું કે નૌકાદળ, સૈન્ય અને વાયુસેના સાથે મળીને કામ કરી રહ્યું છે.

નૌકાદળના વડા એડમિરલ કરમવીરસિંહે જણાવ્યું હતું કે આ મહિનાના અંત સુધીમાં સ્કોર્પિઓન સબમરીન નૌકાદળને મળી જશે.રોમિયો સબમરીન (એમએચ-60)ની ડિલિવરી આગામી વર્ષે શરૂ થશે. મેરીટાઇમ કમાન્ડ વિષેની મહત્ત્વની જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેને અમલમાં લાવવા વિચારણા ચાલી રહી છે.

નૌકાદળના વડાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં દેશ 43 જેટલાં યુદ્ધજહાજ અને સબમરીન બનાવવાની યોજના ધરાવે છે. તે પૈકી 41 ભારતમાં જ તૈયાર થશે. તેમાં એક વિમાનવાહક જહાજનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે ભારતીય નૌકાદળે પોતાના ચાર મહિલા અધિકારીને નવેમ્બરમાં યુદ્ધજહાજ પર તૈનાત કરી દીધાં છે.

(11:41 am IST)