મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

ગ્રીસના પત્રકારનો દાવો

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન બનાવી રહ્યા છે કાશ્મીરમાં આતંકીઓને મોકલવાની યોજના

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન મુસ્લિમ દુનિયાના સૌથી મોટા નેતા બનવાના પ્રયત્નો છે

એથેન્સ, તા.૪: તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ એર્દોગન  હંમેશા પાકિસ્તાનનું ઘણી વાતોમાં સમર્થન કરે છે. આ દરમિયાન નવો ખુલાસો થયો છે. આ ખુલાસો ગ્રીસના એક જાણીતા પત્રકારે પોતાના રિપોર્ટમાં કર્યો છે. ગ્રીસના પત્રકાર એંડ્રિયાસ માઉન્ટજૌરૌલીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે એર્દોગન પાકિસ્તાનની સહાયતા માટે કાશ્મીરમાં સીરિયાના વિદ્રોહી આતંકીઓને મોકલવાની યોજના બનાવી રહ્યા છે. આ માટે તુર્કીના અધિકારીઓએ દ્યણા આતંકી જુથો સાથે વાત પણ કરી છે.

ગ્રીસની ન્યૂઝ વેબસાઇટ Pentapostagma પર પ્રકાશિત પોતાના લેખમાં એંડ્રિયાસે લખ્યું છે કે સીરિયન નેશનલ આર્મી મિલિશિયાના સુલેમાન શાબ બ્રિગેડ્સના કમાંડર મુહમ્મદ અબુ ઇમ્સાએ થોડા દિવસો પહેલા જ પોતાના સાથી સભ્યોને કહ્યું કે તુર્કી અહીંથી કાશ્મીરમાં પોતાના કેટલાટ યુનિટ્સ તૈનાત કરવા માંગે છે. સુલેમાન શાહ બ્રિગેડ્સને તુર્કીનું ખુલ્લુ સમર્થન હાસિલ છે. જેનું ઉત્તરી સીરિયાના અફરિન જિલ્લામાં નિયંત્રણ છે.

સુલેમાન શાહ બ્રિગેડના કમાંડર અબુ ઇમ્સાએ એ પણ કહ્યું કે તુર્કીના અધિકારી સીરિયાના અન્ય હથિયારબંધ જુથ સાથે આ વિશે વાત કરી રહ્યા છે. અબુ ઇમ્સાએ કહ્યું છે કે કાશ્મીર જનાર આતંકીઓને તુર્કી તરફથી ૨૦૦૦ ડોલરની રકમ આપવામાં આવશે. કમાંડરે પોતાના જુથને કહ્યું કે કાશ્મીર પણ તેટલો જ પહાડી છે જેટલો આર્મીનિયાનો નાર્ગોના કારબાખ છે. તુર્કીએ આર્મીનિયા સાથેની લડાઇમાં ખુલીને અઝરબૈઝાનનો સાથ આપ્યો હતો.

આટલું જ નહીં તુર્કીએ સીરિયામાં પોતાના સહયોગી આતંકી સંગઠનના લડાકોને કારાખાવમાં લડાઇમાં તૈનાત પણ કર્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોએ તેની પૃષ્ટિ કરી હતી. કિલિંગ મશીન ગણાતા આ આતંકવાદીઓને મુસ્લિમ દેશ અઝરબૈઝાનના પક્ષમાં ઇસાઇ દેશ આર્મીનિયા સામે યુદ્ઘ માટે ઘણા પૈસા પણ આપ્યા હતા.

રિપોર્ટમાં લખ્યું છે કે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન મુસ્લિમ દુનિયાના સૌથી મોટો નેતા બનવાના પ્રયત્નમાં છે. સાઉદી અરબના ઇસ્લામિક વર્લ્ડ પર પ્રભુત્વને પડકાર આપવા માટે એર્દોગન આવા પગલા ઉઠાવી રહ્યા છે. ગ્રીસ પત્રકારે દાવો કર્યો છે કે તુર્કી અને પાકિસ્તાન એકબીજા સાથે રક્ષા સહયોગ વધારી બીજા દેશોની જમીન પડાવવા માંગે છે.

(10:38 am IST)