મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

ભારતમાં ન્યુનત્તમ મજુરી પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી પણ ઓછી

ગ્લોબલ રીપોર્ટમાં ખુલાસોઃ ન્યુનત્તમ માસિક વેતન વિશ્વમાં સરેરાશ ૯૭૨૦ રૂ. છે તો ભારતમાં માત્ર ૪૩૦૦ છે

નવી દિલ્હી, તા. ૪ :. ભારતમાં કોરોના વાયરસ મહામારીના કારણે લાગેલા લોકડાઉનની સૌથી માઠી અસર રોજેરોજનું કમાઈને ખાતા મજુરો પર પડી છે. અનેક રીપોર્ટમાં આ અંગેના ખુલાસા પણ થયા છે. જો કે હવે યુનો સાથે જોડાયેલા આંતરરાષ્ટ્રીય મજદુર સંગઠન એટલે કે આઈએલઓના રીપોર્ટમાં એ વધુ સ્પષ્ટ બન્યુ છે. હાલના રીપોર્ટ અનુસાર ભારતમાં ન્યુનત્તમ મજુરી પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળથી પણ ઓછી રહી છે.

રીપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ભારતમાં લાદવામા આવેલા પ્રથમ અને બીજા તબક્કાના લોકડાઉન દરમિયાન બધુ બંધ હોવાને કારણે મજુરોને દૈનિક મજુરી મળી નહોતી. ૪૦ દિવસ સુધી ચાલેલા લોકડાઉનથી અસંગઠીત ક્ષેત્રના કામદારોના વેતનમાં સરેરાશ ૨૨.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો કે સંગઠીત ક્ષેત્રના કામદારો લોકડાઉનની અસરથી ઘણા ખરા અંશે સુરક્ષિત રહ્યા હતા અને તેમના વેતનમાં ૩.૬ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

ભારતના મજુરો અને કામદારોના વેતનને માપવા માટે આઈએલઓ એ પોતાના ગ્લોબલ વેજ રીપોર્ટ-૨૦૨૧માં મીડીયન વેલ્યુને જગ્યા આપી છે. મોટાભાગના દેશોમાં પ્રદેશ અને સેકટરના આધારે અલગ અલગ ન્યુનત્તમ વેતન હોય છે પરંતુ ભારતમાં ન્યુનત્તમ વેતન માટે એક જ માપદંડ ૧૭૬ રૂ. રોજ લાગુ કરવામાં આવેલ છે.

આ દ્રષ્ટિથી જોઈએ તો વૈશ્વિકસ્તર પર ભારતની સ્થિતિ ઘણી ખરાબ છે. જ્યાં સમગ્ર વિશ્વમાં સરેરાશ ન્યુનત્તમ માસિક વેતન લગભગ રૂ. ૯૭૨૦ પ્રતિ માસિક રહે છે તો ભારતમાં તે ૪૩૦૦ રૂ. આવે છે. આ જ પ્રકારે પાકિસ્તાનમાં તે ૯૮૨૦, નેપાળમાં ૭૯૨૦, શ્રીલંકામાં ૪૯૪૦ અને ચીનમાં ૭૦૬૦ છે.

(10:37 am IST)