મુખ્ય સમાચાર
News of Wednesday, 4th December 2019

આખરે પાકિસ્તાનને જ્ઞાન લાધ્યું: ભારત સાથે વેપાર બંધ થતા ખાદ્ય વસ્તુઓના ભાવ વધ્યા : ટામેટા 300ના કિલો

 

પાકિસ્તાનના એક વરિષ્ઠ મંત્રીએ દેશમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં તોતિંગ વધારા માટે ભારત સાથેનો વેપાર સ્થગિત કરવામાં આવ્યો તેને મુખ્ય કારણ ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં અન્ય ખાદ્ય વસ્તુઓની સાથે ટામેટાનો ભાવ હાલ 300 રુપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની આર્થિક મામલાઓની ટીમના વરિષ્ઠ સદસ્યો દેશની વર્તમાન આર્થિક હાલતનો અહેવાલ રજૂ કરી રહ્યા હતા તે સમયે મંત્રી હમાદ અઝહરે ખાદ્ય પદાર્થોના ભાવ વધારા માટે ભારત સાથેનો વેપાર સ્થગિત કરાયો તેને મુખ્ય કારણ ગણાવ્યું હતું.

અઝહરે જણાવ્યું કે, વર્તમાન ભાવવધારો, ખાસ કરીને ખાદ્ય પદાર્થોમાં ભાવવધારો ભારત સાથેનો વેપાર રદ થવાથી થયો છે અને તેના માટે મોસમી પરિબળો અને વચેટિયાઓ પણ જવાબદાર છે. તેમના કહેવા પ્રમાણે કેન્દ્ર સરકાર પ્રાંતિય સરકારો સાથે મળીને સસ્તા બજાર સ્થાપવા મુદ્દે વિચારણા કરી રહી છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરી બાદ મોંઘવારીમાં ઘટાડો થવા લાગશે.

પાકિસ્તાનમાં હાલ ટામેટાના ભાવ 300 રુપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યા હોવાથી લોકો ખૂબ ત્રસ્ત છે કારણ કે, ટામેટા તેમના ભોજનની મહત્વની સામગ્રી છે. ગત પાંચ ઓગષ્ટના રોજ ભારત સરકારે જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો વિશિષ્ટ દરજ્જો નાબુદ કર્યો હતો અને ત્યાર બાદ પાકિસ્તાને ભારત સાથેના રાજદ્વારી સંબંધો ઘટાડીને વેપાર સ્થગિત કરી દીધો હતો.

(11:53 pm IST)