મુખ્ય સમાચાર
News of Tuesday, 4th December 2018

BAPSનો વિરાટ ધર્મોત્સવઃ રાજકોટના ઇતિહાસનું  સુવર્ણપૃષ્ઠ આલેખાશેઃ હરિભકતોના ઘોડાપૂર : પ્રમુખ સ્વામીજીના જયકાર સાથે કાલે જન્મજયંતી મહોત્સવનો શંખ ફૂંકાશે : પૂ. મહંત સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં મોરબી રોડ પર પ૦૦ એકર જમીનમાં પૂ. સ્વામીજીનો ૯૮મો જન્મ જયંતી મહોત્સવઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના  મહાનુભાવો પધારશેઃ તૈયારીને આખરી ઓપઃ આવતીકાલે બુધવારે  સવારે ૭:૩૦ કલાકે  પૂ. મહંત સ્વામી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહોત્સવનો દબદબાભેર પ્રારંભ: વિજ્ઞાન અને ધર્મનો સમન્વયઃ ભવ્ય પ્રદર્શન ખંડોઃ અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો

આવતીકાલથી માધાપર ચોકડીથી મોરબી બાયપાસ રોડ પર પ૦૦ એકર જમીન પર પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજના ૯૮માં જન્મ જયંતી મહોત્સવનો પ્રારંભ થનાર છે. પ્રથમ તસ્વીરમાં સંતો સાથે વિવિધ કમિટીઓના અગ્રણીઓ મહોત્સવને આખરી ઓપ આપતા જણાય છે. નીચેની તસ્વીરમાં યજ્ઞશાળામાં સેવારત બહેનો દર્શાય છે. બાજુની તસ્વીરોમાં રસોઇ વિભાગમાં સંતોની  દેખરેખ હેઠળ ધમધમાટ નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા.   કાલે રાજકોટનો સુવર્ણ ઇતિહાસ રચાશે. બી.એ.પી.એસ. - બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બ્રહ્મસ્વરૂપ પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજના ૯૮મા જન્મ જયંતી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થશે. મોરબી રોડ પર પર અતિથિ દેવો ભવ હોટલ સામે પ૦૦ એકર જમીન પર વિરાટ મહોત્સવનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પૂ. મહંત સ્વામીજીના દિવ્ય સાનિધ્યમાં આવતીકાલે મહોત્સવનો શંખ ફૂંકાશે. ભકિતરસ અનરાધાર વરસશે. હરિભકતોના ઘોડાપૂર ઘુઘવશે. ચોમેર આનંદોત્સવ છવાયો છે. તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહોત્સવનો પ્રારંભ થશે, આ પ્રસંગે વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો પધારશે.

અકિલા સાથે વાતચીત કરતા પૂ.અપૂર્વમુનિ સ્વામીજીએ જણાવ્યું હતું કે, જીવમાત્રના કલ્યાણના ભાવ સાથે પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજને સામૂહિક વંદના કરવાનો આ અવસર છે.

પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મ જયંતી મહોત્સવ અને કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરનો દ્વિદશાબ્દિ મહોત્સવ તા. પ થી ૧પ ડિસેમ્બર સુધી આયોજિત થયો છે.

આવતીકાલે બુધવારે સવારે પ-૩૦ કલાકે પૂજન દર્શન, સ્વામિનારાયણનગર ઉદ્દઘાટન સમારોહ યોજાશે. સાંજે ૭-૩૦ વાગ્યે ઉદ્દઘાટન સભા, સંત પ્રવચન, તથા ભીખુદાન ગઢવી સાથે સાહિત્ય સંગત થશે. તા.૬ના સાંજે  વિરાટ મહિલા સંમેલનનું આયોજન રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલના સાનિધ્યમાં થયું છે. તા.૭ના નૃત્ય નાટિકા આયોજિત થઇછે. તા.૮ના સંત પ્રવચન અને સન્માન સમારોહ યોજાશે. તા.૯ના કીર્તિદાન ગઢવી - ઓસમાણ મીરનો કાર્યક્રમ યોજાશે.

તા.૧૦ના સવારે ત્રિદિવસીય સ્વામિનારાયણ વિશ્વશાંતિ મહાયજ્ઞ આયોજિત થયો છે. તા.૧૩ના ભાગવતી દીક્ષા સમારોહ અને તા.૧પના સાંજે જન્મ જયંતી સમારોહ યોજાશે.

પૂ.અપૂર્વમુનિજી કહે છે કે, મહોત્સવમાં દરેક માટે મહાપ્રસાદની વ્યવસ્થા રખાઇ છે. દરેકને મહોત્સવનો લાભ લેવા નિમંત્રણ છે.

રાજકોટ શહેરના કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના ર૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય દ્વિશતાબ્દી મહોત્સવ અને પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના ૯૮માં જન્મજયંતિ મહોત્સવ નિમીતે બીએપીએસ દ્વારા છેલ્લા એકથી દોઢ વર્ષ અગાઉ તૈયારીઓ આરંભી દેવામાં આવી હતી. સૌ પ્રથમ તો શહેરની ભાગોળે માધાપર-મોરબી બાયપાસ રોડ ઉપર આવેલ વિશાળ જમીન આ મહોત્સવમાં ઉપયોગમાં લેવા માટે સહમતિ દર્શાવી હતી. પ૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં આ મહોત્સવ યોજાએલ છે. જમીનને સમથળ કરવા માટે જેસીબી સહિતની સેવાકીય પ્રવૃતિઓ અન્ય સંસ્થાઓ અને આગેવાનો-કાર્યકરોએ આપી આ મહોત્સવમાં પોતાનું યોગદાન આપ્યુ હતું.

તો બીએપીએસ મંદિરે છેલ્લા છ થી આઠ મહિનામાં તમામ સમાજને સાથે રાખી આ મહોત્સવની જાણકારી તેમજ સંમેલનો, શિબીરો યોજવામાં આવી હતી, શૈક્ષણીક સંસ્થાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પ્રચાર-પ્રસારની કામગીરી છેલ્લા પાંચેક મહિનાથી ચાલી રહી હતી. શહેરના અનેક સ્થળોએ, સર્કલોમાં પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવના બેનરો લગાવવામાં આવ્યા છે.

તો મહોત્સવના સ્થળે છેલ્લા બે-ત્રણ મહિનાથી સ્વયંસેવકોની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. દેશ-વિદેશમાંથી સ્વયંસેવકોની ટીમ આવી છે. અમુક લોકોએ નોકરીમાં બે મહિનાની રજા રાખી દીધી છે તો અમુક લોકો પોતાનો ધંધા રોજગાર બંધ રાખી આ મહોત્સવની કામગીરીમાં લાગીગયા હતા. બહારથી કોઇ ટીમ બોલાવવામાં આવી નથી. તમામ કામગીરી સંતો અને સ્વયંસેવકો દ્વારા જ કરવામાં આવી છે. છેલ્લા ચારેક મહિનાથી ૪૦૦ સંતો અને પપ૦૦ સ્વયંસેવકો આ મહોત્સવમાં સેવા આપી રહ્યા છે ત્યારે આવતીકાલથી આ મહોત્સવ શરૂ થઇ રહ્યો છે જેમાં ૮૦૦ સંતો અને રર હજાર સ્વયંસેવકોની ફોજ ખડેપગે સેવા આપનાર છે. ખરેખર આ મહોત્સવ દિપી ઉઠે તેવી બાપ્સની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ છે.

શહેરમાં અનેક સેવાભાવીઓ દ્વારા સંતો-મહંતો અને સ્વયંસેવકોના ઉતારા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક લોકોએ પોતાના ઘરમાં તો બિલ્ડરોએ પોતાના ફલેટસ સંતોને ઉતારા માટે આપી સેવા પૂરી  પાડી છે. જયારે પૂ. મહંત સ્વામીને મહોત્સવના સ્થળની સામે જ આવેલ અતિથિ દેવો ભવઃ હોટલમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી છે. અન્ય લોકો માટે આ હોટલ ૧૦ દિવસ બંધ રાખવામાં આવી છે જે ખરેખર પ્રસંશનિય કાર્ય છે.

રાજકોટમાં આયોજિત પૂ.પ્રમુખ સ્વામીજી મહારાજના ૯૮માં જન્મ જયંતી મહોત્સવમાં ઉમટવા હરિભકતો થનગની રહ્યા છે. દેશ-વિદેશમાંથી લાખો હરિભકતો ઉમટવાના છે. પપ દેશોમાંથી ભાવિકો રાજકોટ પધારી રહ્યા છે.

રાજકોટવાસીઓ પણ મોટી સંખ્યામાં મહોત્સવ સ્થળે ઉમટશે. એક અંદાજ પ્રમાણે દશ દિવસ દરમિયાન ર૦ લાખ લોકો મહોત્સવ માણશે.

પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ તા.૭-૧ર-૧૯ર૧ના દિને એટલે કે  માગશર સુદ આઠમ બુધવાર, સં. ૧૯૭૮ના દિને  આણસુદ ગામે થયો હતો. રાજકોટ નસીબદાર છે કે તિથિ અને તારીખ બંને પ્રમાણે મહોત્સવ રાજકોટના આંગણે ઉજવાઇ રહ્યો છે.

પૂ.અપૂર્વમુનિ સ્વામીજી કહે છે કે, આવો દિવ્ય વિભૂતિનો પ્રાગટયોત્સવ રાજકોટમાં ઉજવાઇ રહ્યો છે. બીએપીએસ સંસ્થાએ સમસ્ત લોકો માટે આયોજન-વ્યવસ્થા ગોઠવી છે. દરેકને મનભરીને મહોત્સવ માણવા આમંત્રણ છે.

મહોત્સવમાં આવનાર માટે મહાપ્રસાદની વ્યવસ્થા છે. પૂ.અપૂર્વમુનિજી કહે છે કે, પૂ.મહંત સ્વામીજી એકદમ સાદું ભોજન ગ્રહણ કરે છે. એક પ્રસંગ ટાંકતા પૂ.અપૂર્વમુનિજી જણાવે છે કે મહંત સ્વામી મહારાજનું ભોજન એટલે સ્વાદ વિનાનું ભોજન. તેમાં ન મીઠું હોય કે ન કોઇસ્વાદિષ્ટ મસાલા. વર્ષો સુધી એ જ રહ્યું તેમનું ભોજન.

સન ર૦૦૦માં યુ.એસ.એ.થી બાળકો-કિશોરો ભારતયાત્રાએ આવ્યા હતા. બોચાસણમાં મહંત સ્વામી મહારાજ ભોજન કરી રહ્યા હતા ત્યારે દર્શન કરતાં બાળકોએ પૂછયું : આપ શું જમો છો ?

પોતાના ભોજનપાત્ર (પત્તર)ની બાજુમાં પડેલા થાળ તરફ નિર્દેશ કરીને મહંત સ્વામી મહારાજે પૂછયું: ચાખવું છે ?

બાળકો રાજી થઇ ગયા. મહંત સ્વામી મહારાજે થાળમાંથી પરવળનું શાક થોડું લઇને ચમચી દ્વારા બાળકને આપ્યું. રાજી થઇને હોંશે હોંશે મોઢામાં મૂકતાં જ એ બાળકે થૂ થૂ કરી મોઢામાંથી કાઢી નાંખ્યું, કારણ કે તેમાં કોઇ સ્વાદ જ નહોતો.

બાળકે પૂછયું: આપને આવું સાવ સ્વાદ વિનાનું મોળું કેવી રીતે ભાવે છે ?

મહંત સ્વામી મહારાજે ટટ્ટાર થઇને કહ્યું: યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજ મળ્યા છે એનો કેફ છે. એટલે બીજા સ્વાદની જરૂર નથી.

સ્વામીશ્રીના નિઃસ્વાદ ધર્મ અને પ્રાપ્તિના કેફનો પ્રભાવ સૌ પર છવાઇ રહ્યો.

પૂ. અપૂર્વમુનિજી કહે છે, પૂ. પ્રમુખ સ્વામીજી, પૂ. મહંત સ્વામીજી વગેરે વિભૂતિઓમાંથી આપણે પ્રેરણા લેવાની છે. જોકે, મહોત્સવમાં હરિભકતો તથા દરેક ભાવિકો માટે દિવ્ય સ્વાદસભર મહાપ્રસાદ તૈયાર થયો છે.  રાજકોટના આંગણે ઐતિહાસિક ધર્મોત્સવનો શંખ આવતીકાલે સવારે ફૂંકાશે.

વિજ્ઞાન અને ધર્મનો સમન્વય

ડો.કલામે કહેલુ પ્રમુખસ્વામી દુનિયામાં દરેક સંસ્કૃતિઓ અને વિશ્વના લોકોને એક કરવાનુ કાર્ય કરી રહ્યા છે તેનાથી પ્રેરાયો છું

રાજકોટઃ ભારતના મહાન વૈજ્ઞાનિક અને પૂર્વ રાષ્રપતિ ડો.અબ્દુલ કલામ સાહેબ તથા પ.પૂ. પ્રમુખ સ્વામીનુ મિલન થયુ એ તો આપણે સૌ જાણીએ છીએ ડો.કલામ પ્રમુખ સ્વામીથી ખૂબ જ પ્રેરાયા હતા. આ બન્ને વિભુતીઓનું મિલન થયું ત્યારે વિજ્ઞાન અને ધર્મનો એક સમન્વય થયો હતો.

ડો.કલામ સાહેબે કહેલું કે આ દુનિયામાં એવું કોઇ વ્યકિત હોય તો તે પ્રમુખ સ્વામી મહારાજ છે. દુનિયામાં દરેક સંસ્કૃતિઓ અને વિશ્વના લોકોને એક કરવાનુ કાર્ય તેઓ કરી રહ્યા છે. તેનાથી હું પ્રેરાયો છું. તેઓને પૂ.પ્રમુખ સ્વામી ઉપર અપાર  લાગણી અને પ્રેમ હતો. તેઓએ એમ પણ કહેલ કે 'પ્રમુખ સ્વામી મહારાજ અ માય અલ્ટીમેટ ટીચર'

ભવ્ય પ્રદર્શન ખંડો

*મુકતાનંદ ખંંડઃ અહીં આવનાર દરેક મુલાકાતી વ્યસનમુકિતની પ્રેરણા પ્રાપ્ત કરશે.

*નિત્યાનંદ પ્રદર્શન ખંડઃ આજના આધુનિક યુગમાં પારિવારિક એકતાની પ્રેરણા આપશે.

*સેવાનંદ પ્રદર્શન ખંડઃ સૌને સેવાનો પ્રેરક સંદેશ આપશે.

*સહજાનંદ પ્રદર્શન ખંડઃ વચનામૃતના જ્ઞાન દ્વારા હતાશા અને નિરાશામાં સહજ આનંદમાં કેમ રહેવાય તેની પ્રેરણા આપશે.

*ભારતાનંદ પ્રદર્શન ખંડઃ નાગરિકોને દેશ પ્રત્યેની ફરજોનુ દર્શન કરાવતો પ્રેરક શો.

*પરમાનંદ પ્રદર્શન ખંડઃ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પરમ આનંદમા રહેવાની અનુભુતિ કરાવશે.

*માતા-પિતાના ઉપકાર અને આત્મવિશ્વાસ પ્રેરતા, સંસ્કાર પ્રેરક ર જુદા પ્રદર્શન ખંડોનાં નિત્ય ૧૫૦૦૦થી વધુ બાળકો વિવિધ પ્રેરણાઓ પ્રાપ્ત કરશે.

અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો

*સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત યોજાનાર આ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્ય થીમ સમાજમાં મંદિરનુ મહત્વ દર્શાવે છે.

*સંયમ, સ્થિરતા, શાંતિ, સંપ વગેરે સદ્ગુણો આત્મસાતા કરવાની પ્રેરણા આપતો અભૂતપૂર્વ શો.

*૧૨૦*૪૦ ફૂટના ભવ્ય ચિત્રપટ પર નિત્ય રાત્રિ સમયે ધ્વનિ, પ્રકાશ, નૃત્ય અને સંવાદના સંયોજન સાથે યોજાનાર આ શો દર્શકોને મંત્રમુગ્ધ કરશે.

*આ શોનો લાભ એકસાથે ૩૦ હજારથી વધુ લોકો લઇ શકશે.

*આ મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન રોજ સાંજે ૭.૩૦ થી ૧૦.૩૦ વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે ૨૫૦ બાળ કલાકારો કાર્યક્રમ રજુ કરશે.

મહોત્સવ ટૂંકી નજરે...

*હવનમાં ૧૨ હજાર ભાવિકો બિરાજી લાભ લેશે.

*ગત રવિવારે પૂ.મહંત સ્વામીનુ આગમન થયું. તેઓના જયાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી અનેક ભાવિકોએ ૯૮ કલાક પાણી નહોતુ પીધુ. તો ૪૦૦ સાધુઓએ પણ જળગ્રહણ  નહોતુ કર્યુ.

*ગામેગામથી અનેક સ્વયંસેવકો સાયકલયાત્રા કરીને આવ્યા હતા.

*કોઇ અજાણી વ્યકિત આવીને પૂછે કે આ મહોત્સવ કેવી રીતે બની રહ્યો છે તો જવાબમાં સ્વયંસેવકો કહે કે આ તો ગુરૂ કરે છે અને ગુરૂને તેની વિશેષતા પૂછે તો કહે કે આ તો  ભગવાન કરે છે

*પ.પૂ.પ્રમુખ સ્વામીએ કહેલુ કે કોઇપણ વ્યકિત માનવ બનીને જાય એ મહોત્સવ.

*આ જન્મજયંતિ મહોત્સવમાં દરરોજ બે લાખ ભાવિકો મહાપ્રસાદ લેશે.

*૪ હજાર બહેનો દ્વારા રસોઇ વિભાગમાં શાક-રોટલીની સેવા.

*મહિલાઓએ અથાણા વેચી સેવા અર્પણ કરી.

*યુવાનોએ ખોટા ખર્ચા અને પોકેટમનીના રૂપિયા સેવામાં આપ્યા.

*પપ કરતા વધુ દેશોમાંથી ભાવિકો આવશે.

સ્મરણીય સંત ઝરૂખાઓ

*ભારતીય સંસ્કૃતિના વંદનીય અને સ્મરણીય શ્રી વલ્લભાચાર્ય, સંત તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે આચાર્યો, સંતો અને ભકતોની પૂર્ણ કદની પ્રતિમાઓ આદર્શ જીવનની પ્રેરણા આપશે.

(3:40 pm IST)