બિહારના નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદીના પુત્રના લગ્નમાં રાજકીય દુશ્મન લાલુ પહોંચ્યા
દેશમા રાજકીય નેતાઓ પણ અલગ પ્રકારના હોય છે. દિવસે એકબીજા સામે તીખાતમતમતા પ્રહારો કરતા હોય છે તો સાંજે ભેગા મળીને જમતા હોય છે. આવો જ એક નજારો ગઇકાલે બિહારમાં જોવા મળ્યો. બિહારમાં નાયબ મુખ્યમંત્રી સુશિલકુમાર મોદી અને રાજદના વડા લાલુપ્રસાદ યાદવ એકબીજાના કટ્ટર રાજકીય દુશ્મન છે. બંને એકબીજાને પાડી દેવા માટે સતત પ્રહારો કરતા હોય છે. આવા જ એક ઘટનાક્રમમાં ગઇકાલે સુશીલકુમાર મોદીના પુત્ર ઉત્કર્ષના લગ્ન કોલકતાની યામીની સાથે થયા. સાદગીભર્યા લગ્ન સમારોહમાં ૧પ૦૦ ખુરશી રાખવામાં આવી હતી. વિવાહમાં આવનારા લોકો માટે 'પ્રસાદ'ની વ્યવસ્થા હતી. આ લગ્ન સમારોહમાં કલાઇમેકસ ત્યારે આવ્યો કે જયારે લાલુ યાદવ પહોંચ્યા. તેમનુ સ્વાગત ભાજપના નેતા શાહનવાઝ હુસેને કર્યુ હતુ. લાલુ તેમની બાજુમાં જ બેઠા હતા બાદમાં લાલુ અને સુશીલકુમાર મળ્યા અને લાલુનું હાર્દિક સ્વાગત થયુ. લાલુએ વર-વધુને આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી નીતિશકુમાર પણ હાજર હતા.