મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

શ્રીનગરમાં વ્યસ્ત બજારમાં ફરી એકવખત ગ્રેનેડ હુમલો

ગ્રેનેડ હુમલામાં એકનું મોત, અનેક લોકો ઘાયલ : સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવીને ત્રાસવાદીઓ દ્વારા ફરી ગ્રેનેડ હુમલો : ત્રાસવાદીઓની શોધખોળ માટે ઓપરેશન

શ્રીનગર, તા. ૪ : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ ફરી એકવાર આજે ગ્રેનેડ હુમલો કર્યો હતો. શ્રીનગરના વ્યસ્ત રહેતા લાલચોક વિસ્તારમાં આજે બપોરે આ ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ૧૫ લોકો ઘાયલ થયા હતા. ત્રાસવાદીઓએ ભીલવાડા બજારમાં સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને આ હુમલો કર્યો હતો. સેના અને પોલીસે તરત જ ગ્રેનેડ હુમલો કરાયા બાદ ત્રાસવાદીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. સંયુક્ત શોધખોળ ઓપરેશન ચાલી રહ્યું છે. બપોરે ૧.૨૦ મિનિટની આસપાસ હરિસિંહ હાઈસ્ટ્રીક બજાર વિસ્તારમાં ત્રાસવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો. આના સકંજામાં આવીને અનેક લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા ૧૫થી વધુ લોકો પૈકી બેની હાલત ગંભીર જણાવવામાં આવી છે. એકનું મોત થઇ ચુક્યુ છે. ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારને ખાલી કરાવી દઇને ઉંડી શોધખોળ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રાસવાદીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

                    હુમલો કરવામાં આવ્યા બાદ બજારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. સ્થાનિક નાગરિકો જાન બચાવવા માટે ચારેબાજુ ભાગતા નજરે પડ્યા હતા. ઘાયલ થયેલા લોકો નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. છેલ્લા ૧૫ દિવસના ગાળામાં ત્રાસવાદીઓ દ્વારા બીજી વખત ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા ૨૭મી ઓક્ટોબરના દિવસે શ્રીનગરના કરણનગર વિસ્તારમાં ત્રાસવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના છ સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા સુરક્ષા કર્મી સીઆરપીએફની ૧૪૪મી બટાલિયનના હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સુરક્ષા દળોએ જવાબી કાર્વયાહી કરી હતી પરંતુ ત્રાસવાદીઓ ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. જમ્મુ કાશ્મીરને આપવામાં આવેલો ખાસ રાજ્યનો દરજ્જો દૂર કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન દ્વારા એકબાજુ સરહદી વિસ્તારમાં યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી બાજુ જમ્મુ કાશ્મીરમાં સક્રિય રહેલા લોકો ભારતીય સરહદમાં ઘુસીને ત્રાસવાદી હુમલાને અંજામ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. ભારતીય સુરક્ષા જવાનો પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા દૂસાહસનો જોરદાર જવાબ આપી રહ્યા છે. હાલના દિવસોમાં જ ભારતીય સેનાએ આર્ટીલરી ગન મારફતે પોકમાં રહેલા આતંકવાદી કેમ્પો ઉપર હુમલો કર્યો હતો જેમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું. આ હુમલામાં માત્ર પાકિસ્તાની ત્રાસવાદીઓ જ નહીં બલ્કે પાકિસ્તાની સૈનિકોના પણ મોત થયા હતા. ત્રાસવાદી કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા હતા.

હુમલાની સાથે સાથે....

*   જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી દ્વારા ફરીવાર ગ્રેનેડ હુમલો

*   શ્રીનગરના વ્યસ્ત રહેતા લાલચોક વિસ્તારમાં બપોરના ગાળામાં હુમલો કરાયો

*   ભીડવાળા વ્યસ્તવિસ્તારમાં સુરક્ષા જવાનોને ટાર્ગેટ બનાવીને હુમલો કરાયો

*   ઘાયલ થયેલા લોકો પૈકી બેની હાલત ગંભીર જણાવવામાં આવી

*   છેલ્લા ૧૫ દિવસના ગાળામાં ત્રાસવાદીઓ દ્વારા બીજો ગ્રેનેડ હુમલો કરાયો

*   ગ્રેનેડ ફાટવાના કારણે આસપાસના વિસ્તારોમાં દહેશત ફેલાઈ

*   જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ પાકિસ્તાન દ્વારા અવિરત હુમલા કરવાના પ્રયાસ થઇ રહ્યા છે

(7:47 pm IST)