મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

'મહા' વાવાઝોડુ ૨૪ કલાકમાં અતિ તીવ્ર બનશે

તા.૬ના મધરાત્રે કે તા.૭ના વ્હેલી સવારે પોરબંદર અને દીવના દરિયામાંથી પસાર થશેઃ તા.૬ના રાત્રીના સૌરાષ્ટ્રના દરિયાકિનારે જોરદાર પવન સાથે લેન્ડફોલ કરશેઃ વાવાઝોડુ વધુ ને વધુ મજબૂત બની રહ્યુ છે : સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૪ : વાવાઝોડુ 'મહા' સુપર સિવિયર સાયકલોનના રૂપમાં ફેરવાઈ ગયુ છે. આ વાવાઝોડુ ૨૪ કલાકમાં અતિ તીવ્ર બની તા.૬ના મધરાત્રે કે તા.૭ના વ્હેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે લેન્ડફોલ કરશે. આ વાવાઝોડુ જયારે લેન્ડફોલ કરશે ત્યારે તેની ઝડપ ૧૨૦ કિ.મી.ની હશે. જેની અસરથી તા.૬ અને તા.૭ના સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વાવાઝોડુ ૨૪ કલાકમાં હજુ મજબૂત બનશે. આ વાવાઝોડુ હાલ ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યુ છે. આજે સવારે ૫ાા વાગ્યે વેરાવળથી ૬૬૦ કિ.મી., દીવથી ૭૦૦ કિ.મી. અને પોરબંદરથી ૬૪૦ કિ.મી. દૂર છે. આ વાવાઝોડુ કલાકના ૧૧ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યુ છે.

'મહા' વાવાઝોડુ તા.૬ના મધરાત્રે અથવા તા.૭ના વ્હેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકિનારે લેન્ડફોલ કરશે ત્યારે તેની ઝડપ ૧૨૦ કિ.મી.ની હશે. હાલમાં આ વાવાઝોડુ ઓમાન તરફ ગતિ કરી રહ્યુ છે. આવતીકાલે ફરી યુટર્ન કરી ગુજરાત તરફ આગળ વધશે. ૧૮.૧ નોર્થ, ૬૫.૦ ડિગ્રી ઈસ્ટ અને ૯૬૫ મીલીબાર પ્રેશર છે. આ વાવાઝોડુ જયારે ટકરાશે ત્યારે ૧૦૦ થી ૧૨૦ કિ.મી.ના તોફાની પવનો ફૂંકાશે. વાવાઝોડાની અસરથી ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે અસર  કરશે. અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

હાલમાં વાવાઝોડુ વધુને વધુ મજબૂત બની રહ્યુ હોય મોટુ નુકશાન થવા સંભવ છે.

દરમિયાન વાવાઝોડાની અસર રાજકોટ શહેર સૌરાષ્ટ્રભરમાં જોવા મળી રહી છે. વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.

સાથોસાથ બપોર બાદ કોઈ કોઈ વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે.

(11:40 am IST)