મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

જે જીલ્લામાં કરતારપુર છે ત્યાં જ છે ત્રાસવાદી કેમ્પ

ભારતીય એજન્સીઓ પાકિસ્તાનની પોલ ખોલીઃ પાકિસ્તાની પંજાબના નારોવાલ જીલ્લામાં છે ત્રાસવાદી કેમ્પ

ચંદીગઢ, તા.૪:ગુપ્તચર એજન્સીઓને પાકિસ્તાની પંજાબના નારોવાલ જિલ્લામાં આતંકી ગતિવિધિઓ અંગે માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે આ જિલ્લામાં કરતારપુર સાહિબ ગુરૂદ્વારા આવેલ છે.

 

ભારતીય તીર્થયાત્રીઓ માટે કરતારપુર કોરિડોર ખૂલવામાં હવે એક સપ્તાહ પણ બાકી રહ્યું નથી ત્યારે આ પ્રકારની માહિતી ગુપ્તચર એજન્સીઓના હાથ લાગવી ખૂબ મોટા સમાચાર છે.

આ કોરિડોર ભારતીય પંજાબના ગુરૂદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને પાકિસ્તાની પંજાબના નરાવોલા જિલ્લાના કરતારપુર સાહિબ ગુરૂદ્વારાને જોડશે.

ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે આતંકવાદી કેમ્પ પાકિસ્તાની પંજાબના મુરીદકે, શાકરગઢ અને નારોવાલમાં જોવા મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો કેમ્પમાં હાજર છે અને ટ્રેનિંગ લઇ રહ્યા છે. આ માહિતી તાજેતરમાં દેશના સુરક્ષા અધિકારીઓની જોઇન્ટ મીટિંગમાં સામે આવી છે. આ બેઠક પંજાબમાં સરહદ પ્રબંધનને લઇ કરાઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ આ નેટવર્કનો ઉપયોગ ડ્રગ સ્મગલર્સ અને દેશ-વિરોધી ગતિવિધિઓમાં સામેલ લોકો પાકિસ્તાની સિમ કાર્ડ્સનો ઉપયોગમાં લાવીને કરી શકે છે. પંજાબમાં સરહદની સુરક્ષામાં તૈનાત એક એજન્સીએ શ્રીગંગાનગર, રાજસ્થાનના જિલ્લાધિકારીના તર્જ પર, પંજાબ પોલીસને પાકિસ્તાની સિમ કાર્ડસનો ઉપયોગ અને નેટવર્ક પર પ્રતિબંધનો અનુરોધ કર્યો છે.

સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટી પરેશાની પ્રતિબંધિત ગ્રૂપ સિખ ફોર જસ્ટિસ જે ડિજીટલ મીડિયા દ્વારા પોતાના પ્રોપગેન્ડા ફેલાવી રહ્યા છે તેના પર પણ નજર રાખવાની છે.

(10:00 am IST)