મુખ્ય સમાચાર
News of Monday, 4th November 2019

વીઆરએસ માર્ગદર્શિકાને અમલી કરવા સ્પષ્ટ હુકમ

બીએસએનએલ-એમટીએનએલને સરકારની સૂચના : ટેલિકોમ માર્કેટમાં વધુ આક્રમક બનીને આગળ વધવાની સૂચના અપાઈ : બોર્ડ અધિકારી સાથે ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદની મિટિંગ

નવીદિલ્હી, તા. ૩ : ટેલિકોમ મંત્રી રવિશંકર પ્રસાદે આજે બીએસએનએલ અને એમટીએનએલને વહેલીતકે વીઆરએસ માર્ગદર્શિકાને અમલી કરવા માટે આદેશ કર્યો હતો. સાથે સાથે સમય મુજબ જ સંપત્તિના મામલામાં ખાતરી કરવા પગલા લેવાની પણ સૂચના આપી છે. રવિશંકર પ્રસાદે સ્પષ્ટતા કરી છે કે, ટેલિકોમ માર્કેટમાં વધુ આક્રમક બનવાની જરૂર દેખાઈ રહી છે. બીએસએનએલ અને એમટીએનએલના બોર્ડના સભ્યો સાથે વાતચીત કર્યા બાદ રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, કંપનીઓને મજબૂતરીતે આગળ વધવા કહેવામાં આવ્યું છે. સરકાર દ્વારા ખુબ જ મજબૂત ઇન્સેન્ટીવ પેકેજ આપવામાં આવી ચુક્યું છે. હવે તેમની તકલીફો દૂર કરવા માટે પગલા લેવા જોઇએ. અત્રે નોંધનીય છે કે, સરકારે ગયા મહિનામાં જ બીએસએનએલ અને એમટીએનએલ માટે પુનઃસજીવન પેકેજની જાહેરાત કરી હતી. ૬૯૦૦૦ કરોડ રૂપિયાના મહાકાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. બીએસએનએલ અને એમટીએનએલને મર્જ કરવાની પણ વાત કરવામાં આવી છે. નુકસાનકરતી આ બે મહાકાય કંપનીઓને મર્જ કરવામાં આવી રહી છે.

            સાથે સાથે બંને કંપનીઓમાં નિવૃત્ત થવા ઇચ્છુક કર્મચારીઓને આકર્ષક વીઆરએસ આપવા માટે પણ કહેવામાં આવ્યું છે. પહેલી નવેમ્બરના દિવસે બેઠક યોજાઈ હતી જેમાં પ્રધાને ખુબ ઝડપથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્કીમને આખરીઓપ આપી દેવા બંને કંપનીઓને સૂચના આપી હતી. પ્રો એક્ટીવરીતે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ઉપર તેમની સીધીરીતે નજર રહેશે. સુત્રોએ કહ્યું છે કે, પ્રધાને બંને કંપનીઓને ખાતરી આપી છે કે, તેમના ઓફિસરો અને કર્મચારીઓ સાથે વાતચીત કરવા ફિલ્ડની મુલાકાત લેવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે ૨૩મી ઓક્ટોબરના દિવસે એમટીએનએલ સાથે મર્જ કરી દેવાની યોજનાને લીલીઝંડી આપી હતી.

એમટીએનએલ મુંબઈ અને નવી દિલ્હીમાં સર્વિસ ઉપલબ્ધ કરાવે છે જ્યારે ભારત સંચાર નિગમ લિમિટેડ અથવા તો બીએસએનએલ દેશના અન્ય ભાગોમાં સર્વિસ ઉપલબ્ધ કરાવે છે. રેસ્ક્યુ પેકેજમાં ૨૦૧૪૦ કરોડની મૂડી ફોરજી સ્પેક્ટ્રમની ખરીદી માટે લેવામાં આવી છે. જ્યારે સ્પેક્ટ્રમ ફાળવણી પર ચુકવવામાં આવનાર જીએસટી માટે ૩૬૭૪ કરોડ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે.  આવી જ રીતે કંપનીઓ દ્વારા ૧૫૦૦૦ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવનાર છે. વીઆરએસ માટે સરકાર ૧૬૦ કરોડ રૂપિયા આપી રહી છે. નિવૃત્તિ પાત્ર લોકો માટે પણ ૧૨૭૬૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. બે કંપનીઓ દ્વારા કેટલીક હિલચાલ શરૂ થઇ ચુકી છે. એમટીએનએલને છેલ્લા ૧૦ વર્ષ પૈકી નવ વર્ષમાં નુકસાન થયું છે. બંને કંપનીઓનું કુલ દેવું ૪૦૦૦૦ કરોડનું રહ્યું છે. આ દેવા પૈકી અડધી રકમ એમટીએનએલની છે.

(12:00 am IST)