મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

રાષ્ટ્રવ્યાપી દેખાવો અને બંદૂકો ધણધણી ઉઠીઃ ઈરાકમાં કફર્યુ

૩ શહેરોમાં પોલીસ સાથે મોટા પાયે સંઘર્ષઃ બગદાદ એરપોર્ટમાં ઘુસવા ટોળાનો પ્રયાસઃ ખૂલ્લા ગોળીબારમાં ૭ નાગરરિકોના મોતઃ અનેક મકાનો સળગાવ્યા : દેખાવકારો- સલામતી દળો વચ્ચે જંગઃ ૭નાં મોતઃ ૪૦૦ ઘાયલ, બેરોજગારી, ભ્રષ્ટાચાર સામે પ્રજાનો પ્રચંડ રોષ ફાટી નીકળ્યો

બગદાદ, તા.૪: ઈરાકના વડાપ્રધાન અદેલ અબ્દુલ મહેદીએ પાટનગર બગદાદમાં થયેલી હિંસા બાદ અચોક્કસ મુદતની સંચારબંદી લાગુ કરી છે. આ હિંસામાં ૭ લોકોના મોત થયા હતા. જયારે ૪૦૦ જેટલા લોકો ઘવાયા હતા.

બે દિવસની રાષ્ટ્રવ્યાપી સરકાર સામેની હડતાળ બાદ પાટનગર બગદાદમાં દેખાવકારો હિંસક બનતાં પોલીસે કરેલા ગોળીબારોમાં ૭ લોકોના મોત થયા હતા. જયારે ૪૦૦ ઘવાયા હતા.

ઈરાકના દક્ષિણના ત્રણ શહેરોમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. દેખાવકારોએ બગદાદના હવાઈ મથકમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં સલામતી દળોએ દેખાવકારોને વિખેરવા ગોળીબારો કર્યા હતા. જેમાં ૭ લોકોના મોત થયા હતા. નસીરિયા શહેરમાં હિંસા ફાટી નીકળતાં દેખાવકારો અને સલામતી દળો વચ્ચે ગોળીબારો શરૂ થયા હતા. ત્યારબાદ ત્યાં પોલીસ અને અર્ધલશ્કરી દળો બે તૈનાત કરાયા હતા.

બગદાદ શહેરમાં વાહનોના પ્રવેશ પર વહેલી સવારથી જ પ્રતિબંધ લગાવી દેવાયો છે. મુસાફરો, હોસ્પિટલ કર્મચારીઓ અને ધાર્મિક યાત્રાળુઓએ સંચારબંધીમાંથી મુકિત અપાઈ છે. જાહેર સેવાઓમાં સામેલ કર્મચારીઓને પણ છૂટ અપાઈ છે. પ્રાંતિય ગવર્નરોને તેમના પ્રાંતોમાં સ્થિતિ અનુસાર નિર્ણય કરવાનો અધિકાર અપાયો છે.

દેશમાં વધતી જતી બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કથળતી જતી સેવાઓના વિરોધમાં દેશવ્યાપી હડતાળનું વિવિધ સંગઠનોએ આહ્વાન કર્યું હતું. ત્યારબાદ નસીરિયા, અમરા, હિલ્લા શહેરોમાં મોટાપાયે દેખાવો યોજાયા હતા. ત્યારબાદ હિંસા ફાટી નીકળતાં સંચારબંધી લદાઈ હતી. દેખાવકારોએ દક્ષિણ પ્રાંતમાં રાજકીય પક્ષોના કાર્યાલયો અન ેસરકારી ઈમારતોને સળગાવી હતી. બુધવારે રાષ્ટ્રવ્યાપી દેખાવો દરમ્યાન પ લોકોના મોત થયા હતા. જયારે ૨૦૦ ઘવાયા હતા.

બે લોકોના મંગળવારે મોત થયા હતા.

બગદાદમાં દેખાવકારો એ માંગણી કરી હતી કે સરકાર રાજીનામું આપે. અમે વહીવટમાં બદલાવ ઈચ્છીએ છીએ તેમ એક દેખાવકારે જણાવ્યું હતું. ઈરાકમાં સત્તાનો ખાલીપો દેખાય છે.

દક્ષિણ શિયા બહુલ વિસ્તારોમાં સ્થિતિ વણસી છે. તેલક્ષેત્ર બસરામાં હજારો લોકો એકઠા થયા હતા. પરંતુ તેમના દેખાવો શાંતિપૂર્ણ હતા. કીરકુક અને તીકરીતમાં પણ દેખાવો યોજાયા હતા. દેશમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ્પ થઈ ગઈ હતી. વડાપ્રધાન અબ્દેલ મહેદીએ રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની તાકીદથી બેઠક બોલાવી સ્થિતિની સમીક્ષા કરી હતી. તમામ સૈન્ય મથકોને સતર્ક કરી દેવાયા છે. બગદાદને જોડતા તમામ માર્ગો સીલ કરી દેવાયા છે. વડાપ્રધાને સ્નાતકો માટે કામનું વચન આપ્યું હતું. સ્થાનિક લોકો માટે ૫૦ ટકા નોકરીઓની જોગવાઈ કરવા સૂચના અપાઈ છે. બુધવારે સલામતી દળોના ૪૦ જવાનો ઘાયલ થયા હતા. સરકારે શાંતિપૂર્ણ દેખાવોના અધિકારને માન્ય રાખ્યો હતો. પરંતુ તોડફોડની ટીકા કરી હતી.

ઈરાકના આંતરિક બાબતોના મંત્રાલયે કહ્યું કે, હિંસા અને દેખાવો પાછળ ઘૂસણખોરોનો દોરીસંચાર છે. શિયા ધર્મગુરૂ મુકતદા અલ સદ્રરે ઘટનાની તપાસની માંગણી કરી છે. ઈરાકે ત્રણ વર્ષ સુધી દાઈસ સામે જંગ લડયા બાદ પુનઃદેશમાં મોટાપાયે દેખાવો થયા છે.

(1:09 pm IST)