મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

કેસ બંધ કરવા તૈયારી

લાંચકાંડમાં અસ્થાનાને કિલનચીટ આપશે સીબીઆઈ

નવી દિલ્હી, તા. ૪ :. સીબીઆઈના પૂર્વ ડાયરેકટર રાકેશ અસ્થાનાને ભ્રષ્ટાચારના તમામ આરોપોમાંથી મુકત કરવામાં આવે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં તપાસ અધિકારીએ અસ્થાનાને બધા આરોપોમાંથી દોષમુકત કરવા અંગેનો રીપોર્ટ પણ તૈયાર કરી લીધો છે.

આ રીપોર્ટને હવે ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવશે. સીબીઆઈના પૂર્વ વડા આલોક વર્માએ અસ્થાના વિરૂદ્ધ એફઆઈઆરમાં તેમના પર ભ્રષ્ટાચારના અનેક આરોપો મુકયા હતા. આ પહેલા આ મામલામાં તપાસ અધિકારી એસ.પી. સતિષ ડાગરે આ વર્ષના ઓગષ્ટમાં વ્યકિતગત કારણોથી સ્વેચ્છિક નિવૃતિની ઈચ્છા વ્યકત કરી હતી. જો કે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ડાગરના રીપોર્ટની રીપોર્ટ સીબીઆઈમાં કાનૂની સલાહ માટે પેન્ડીંગ છે તે પછી તેને વર્તમાન વડા ઋષિકુમાર શુકલાને મોકલાશે. એક વખત શુકલા તરફથી લીલી ઝંડી મળે કે તરત જ સક્ષમ અદાલતમાં અસ્થાનાને દોષમુકત કરતી ચાર્જશીટ કે કલોઝર રીપોર્ટ દાખલ કરાશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલામાં અન્ય મુખ્ય આરોપી વચેટીયા મનોજ પ્રસાદ અને સોમેશ પ્રસાદ વિરૂદ્ધ તપાસ ચાલુ રહેશે.અત્રે એ નોંધનીય છે કે, સીબીઆઈના પૂર્વ વડા આલોક વર્માએ ૧૫ ઓકટોબર ૨૦૧૮ના રોજ અસ્થાના સામે એફઆઈઆર નોંધાવી હતી. જેમાં આરોપ હતો કે મીટ વેપારી કુરેશીને ૨.૯૫ કરોડ અસ્થાનાને આપવા ફરજ પડાઈ હતી. આ રકમ પ્રસાદ બંધુઓ દ્વારા આપવાની હતી.

(11:44 am IST)