મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

ખાનગી નિવેશ-કાનુની સુધારથી બદલશે ખેતીની તસ્વીર

અવરોધક ભૂ-પટ્ટેદારી, ભૂ-રાજસ્વ, કોન્ટ્રાકટ તથા મંડી કાનુનને બદલવા પડશેઃ નિવેશ તથા હાઇવેલ્યુ ક્રોપથી ખેતી બનશે જીવન જરૂરીયાતને બદલે વ્યવસાયઃ રાજયોનો સહયોગ જરૂરી

નવી દિલ્હી તા. ૪ : ખેતી ક્ષેત્રને આગળ વધારવા માટે કૃષિ ક્ષેત્રમાં મૂળભૂત સુધારાઓની સખત જરૂર છે, જેના માટે સરકારી કરતા ખાનગી ક્ષેત્રના રોકાણની જરૂર છે. પણ એ ત્યારે જ શકય બનશે, જયારે કેન્દ્ર અને રાજ્યો સહિયારા પ્રયાસો દ્વારા કૃષિ ક્ષેત્રમાં કાયદાકીય સુધારાઓને પ્રાથમિકતા આપશે. કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા વધારવાની સાથે તેના બુનિયાદીમાળખામાં કોર્પોરેટ રોકાણ વધારવું પડશે. હાઇવેલ્યુ ક્રોપ (રોકડીયા પાક) થી જ ખેતીને ધંધામાં ફેરવવામાં સરળતા થશે. જે ખાનગી રોકાણથી જ શકય બનશે.

કૃષિ લાગત અને મુલ્ય આયોગના ભૂતપૂર્વ ચેરમેન ડો. તજામુલ હકનુ કહેવું છે કે કાયદાકીય સુધારા વગર ખેતી ક્ષેત્રમાં રોકાણ કરતા ખાનગી ક્ષેત્ર અચકાય છે. સરકારે કાયદાકીય સુધારાઓ શરૂ કરી દીધા છે. પણ તેમા રાજયોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. હક અનુસાર, કેટલાક રાજયોએ આ દિશામાં કારગત પહેલ કરી છે. પણ સંયુકત પ્રયાસ થતા હોય તેવું નથી દેખાતું અધુરા મનથી ટુકડે ટુકડે થતા સુધારાનો બહુ ફાયદો નહી થાય. કૃષિ મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં નવ રાજયોમાં સુધારાની પ્રક્રિયા શરૂ થઇ છ.ે કૃષિ વૈજ્ઞાનિક ડોકટર આર.બી. સીંહનું કહેવું છે કે વિભિન્ન રાજયોમાં અલગ અલગ કાયદાઓ છે મફત વિજળી, મફત પાણી અને કોણ જાણે કેટલાય પ્રકારની વાજબી-ગેરવાજબી મદદો આપવામાં આવે છે, જેનો દુરૂપયોગ થવાથી ખેતીને નુકશાન ઉઠાવવું પડે છે. ખેતી સાથે જોડાયેલા બાગબાની પશુધન, ડેરી, મત્સ્ય, પોલ્ટ્રી અને મધ ઉછેર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની જરૂર છ.ે આ ક્ષેત્રોમાં ખાનગી રોકાણ થવાની પુરેપુરી શકયતાઓ છે, જેના માટે કાયદાકીય સુધારાઓ કરવા પડશે. પણ તેનો સંપૂર્ણ દારોમદાર રાજયો પર છે કોન્ટ્રાકટ ખેતીનો પ્રસ્તાવ મોકલીને કેન્દ્રએ બધા રાજયોને પોતાના કાયદામાં સુધારા કરવાની સલાહ આપી છે.

એજ રીત ખેડૂતોને પોતાના અનાજના યોગ્ય ભાવ અપાવવા એ પણ મોટો પડકાર છે. કાયદામાં સુધાર વગર ખેડૂત પોતાની જમીન કોઇ કોર્પોરેટ ક્ષેત્રને સોંપવા તૈયાર નહીં થાય. તેના માટે એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટીંગ કમીટી એકટમાં સુધારો કરવો જરૂરી છે. જેના માટે રાજયો પર સતત દબાણ થઇ રહ્યું છે. મંડીઓમાં ભાવ નકકી કરવામાં વેપારીઓ અને દલાલોનું એકચક્રી શાસન ચાલે છે. જે ખેડૂતોને ભારે પડે છે. મંડી કાયદામાં સુધારાઓ ન થવાથી ખાનગી રોકાણ આમાં આવવા માટે ખચકાય છે. મંડીઓનું કાયદાકીય માળખું એટલું ગુંચવાયેલું છે કે ખાનગી રોકાણ તેમાં પ્રવેશી ન શકે.

દેશની પ૩ ટકા ખેતી સિંચાઇ  વગર જ થાય છે, ત્યાં સિંચાઇની સુવિધા આપીને તે જમીનમાં વધુ પાક લઇ શકાય. માંગ આધારિત ખેતી ઉત્પાદનોની ખેતીના બદલે મનમાની રીતે ખેતી થાય છે. ખરેખર તો દેશમાં ફળ, ફુલ, પશુધન અને ડેરી ઉત્પાદનોની માંગ બહુ જ વધી છે. આવા હાઇવેલ્યુક્રોપ (પાક) ની જગ્યાએ દેશની કુલ ખેતી લાયક જમીનના ૭૭ ટકા જમીનમાં અનાજ, કઠોળ અને તૈલીય પાકની ખેતી થઇ રહી છે.

(10:56 am IST)