મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

મોબ લિન્ચીંગ

મોદીને પત્ર લખનારી હસ્તીઓ સામે FIR : રાજદ્રોહની કલમ

જેમની સામે FIR થઇ છે તેમાં રામચંદ્ર ગુહા, મણીરત્નમ્, અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, સોૈમિત્ર ચેટર્જી, અર્પણા સેન, સુધા મુદગલઃ જાણી જોઇને દેશની છબી ખરાબ કરવાઃ પીએમની સિદ્ધિઓને નીચી બતાડવાનો આરોપ

મુઝફફરપુર, તા. ૪ : ભીડ હિંસા (મોબલિન્ચીંગ)ના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ખુલ્લો પત્ર લખીને ચિંતા વ્યકત કરનાર પ૦થી વધારે સેલેબ્રીટીઓ વિરૂદ્ધ ગઇકાલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ પ૦ લોકો વિરૂદ્ધ કેસ મુખ્ય મેજીસ્ટ્રેટ સુર્યકાંત તિવારીના આદેશથી નોંધવામાં આવ્યો છે. આ બધા સામે રાજદ્રોહની કલમ લગાડાઇ છે.

 

કોર્ટે સ્થાનિક વકીલ સુધીરકુમાર ઓઝા દ્વારા બે મહીના પહેલા દાખલ કરવામાં આવેલી યાચિકાની સુનાવણી કરતા ર૦ ઓગસ્ટેે એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. આના પર અમલ કરતા ગુરૂવારે સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

ઓઝાએ પત્ર લખનારા લોકો પર જાણી જોઇને દેશની છબી ખરાબ કરવા અને વડાપ્રધાનની પ્રભાવી સિદ્ધિઓને ઓછી દર્શાવવાનો પ્રયાસ કરવાના આરોપની અરજી દાખલ કરી હતી. પત્ર લખનારાઓમાં ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મ નિર્દેશ મણીરત્નમ્, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, ફિલ્મ નિર્દેશ શ્યામ બેનેગલ, અભિનેતા સૌમિત્ર ચેટર્જી, અભિનેત્રી અર્પણા સેન અને ગાયીકા સુધા મુદ્દગલ વગેરે સામેલ છે. પોલીસે જણાવ્યું છે કે એફઆઇઆર ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ નોંધવામાં આવી છે. જેમાં રાજદ્રોહ, ઉપદ્રવ કરવા-શાંતિ ભંગ કરવાના ઇરાદાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા સંબંધિત કલમો લગાડાઇ છે.

(10:54 am IST)