મુખ્ય સમાચાર
News of Friday, 4th October 2019

બિહારઃ મહાનંદા નદીમાં પલટી હોડી, ૭ના મોત અને ૫૦ ગુમ

માલદાઃ બિહારના કટિહાર ક્ષેત્રમાં ગુરુવારે રાતે મહાનંદા નદીમાં એક હોડી પલટી ગઈ હતી. જેથી સાત લોકોના મોત નીપજયાં હતાં. બચાવ અભિયાનમાં અત્યાર સુધીમાં ૨૮ લોકોને બચાવાયાં છે. આ ઘટનામાં ૫૦થી વધુ લોકો ગુમ થવાની સૂચના મળી છે. આ હોડીમાં ૪૫ કરતાં વધારે લોકો સવાર હતાં. આ ઘટના ગુરુવારે રાતે તે સમયે બની હતી જયારે મહાનંદા નદીમાં એક હોડી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યાનુસાર આ દુર્ઘટનાનો ભોગ બનેલા વ્યકિતઓ નૌકા પ્રતિયોગીતા જોઈને એક હોડી દ્વારા પરત ફરી રહ્યાં હતાં. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય શરુ કર્યું હતું. હોડીમાં સવાર લોકો પશ્ચિમ બંગાળના માલદાથી બિહારના કટિહાર જઈ રહ્યાં હતાં. આ દરમિયાન હોડી પલટી જતાં દરેક લોકો નદીમાં પડી ગયાં હતાં.

આ દુર્ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનીક તરવૈયાઓ અને મરજીવાઓ તેમજ પોલીસે લોકોની શોધ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જોકે, દુર્ઘટનાના કારણ અને હજુ સુધી કેટલા લોકો ગુમ થયા છે તે વિષયમાં તંત્ર તરફથી કોઈ ઓફિશ્યિલ નિવેદન સામે આવ્યું નથી. નોંધનીય છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન હોડી પલટવાના કારણે તેમાં સવાર અનેક લોકો પાણીમાં ડૂબી ગયા હતાં. આ દુર્ઘટનામાં દસથી વધારે લોકોના મોત થયાં હતાં.

(10:05 am IST)