મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

રાહત અને આફત બન્ને

કોરોનાએ ૧ દિ'માં બનાવ્યા ત્રણ-ત્રણ રેકોર્ડ

નવી દિલ્હી, તા.૪: ભારતમાં કોરોના વાયરસ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. ગુરુવારે કોરોના ચેપના એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ ૮૩,૮૮૩ નવા કેસ આવ્યા છે. આ સાથે ગુરુવારે કેસની કુલ સંખ્યા ૩૮ લાખને પાર કરી ગઈ છે. ઉપરાંત, દેશમાં બુધવારે એક દિવસમાં રેકોર્ડ ૧૧.૭૦ લાખ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. વળી, એજ દિવસે રેકોર્ડ ૬૮,૫૮૪ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ રીતે, કોરોનાએ એક જ દિવસમાં ત્રણ રેકોર્ડ બનાવ્યા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં કોવિડ -૧૯ ના કેસ વધીને ૩૮,૫૩,૪૦૬ થયા છે. વળી, બુધવારે ૨૪ કલાકમાં ૧,૦૪૩ વધુ લોકોના મોત સાથે, ગુરુવારે સવારે મૃતકોની કુલ સંખ્યા વધીને ૬૭,૩૭૬ થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે કોરોના ચેપથી મૃત્યુ પામેલા ૭૦ ટકાથી વધુ લોકોને પહેલેથી જ એક રોગ હતો. મળતી માહિતી મુજબ, દેશમાં હજી પણ ૮,૧૫,૫૩૮ કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ કેસોમાં ૨૧.૧૬ ટકા છે. ૭ ઓગસ્ટના રોજ દેશમાં કોવિડ -૧૯ કેસ ૨૦ લાખને પાર કરી ગયો હતો, જયારે ૨૩ ઓગસ્ટે તે ૩૦ લાખનો આંકડો પાર કરી ગયો હતો.

મંત્રાલયે જણાવ્યું હતું કે, રીકવર થયેલા આ ૨૯,૭૦,૪૯૨ દર્દીઓમાંથી, સ્વસ્થ થતાં લોકોનો દર ૭૭.૦૯ ટકા રહ્યો છે. બુધવારે, ૬૮,૫૮૪ લોકો ૨૪ કલાકમાં તંદુરસ્ત અને ડિસ્ચાર્જ થયા છે. જો કે, કોવિડ -૧૯ દર્દીઓનું મૃત્યુ દર દ્યટીને ૧.૭૫ ટકા થયું છે. આઇસીએમઆર અનુસાર, કોવિડ -૧૯ ના કુલ ૪,૫૫,૦૯,૩૮૦ નમૂનાઓની ૨ સપ્ટેમ્બર સુધી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી ૧૧,૭૨,૧૭૯ ના નમૂનાઓનો બુધવારે જ પરીક્ષણ કરાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક ટ્વિટમાં કહ્યું કે ભારતમાં તપાસમાં અભૂતપૂર્વ વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૧.૭૦ લાખથી વધુ પરીક્ષણો કરાયા હતા. મંત્રાલયે કહ્યું કે આજની તારીખમાં ૧,૬૨૩ લેબ્સ છે, જેમાંથી ૧,૦૨૨ સરકારી અને ૬૦૧ ખાનગી ક્ષેત્રની છે.

(11:09 am IST)