મુખ્ય સમાચાર
News of Tuesday, 4th September 2018

માલેગાંવ બ્લાસ્ટ કેસ : SIT તપાસની માંગણીને ફગાવાઈ

સનસનાટીપૂર્ણ કેસમાં કર્નલ પુરોહિતને ફટકો પડ્યોઃ આરોપો નક્કી કરવા પર સ્ટે મુકવા માંગ કરતી માલેગાંવ બ્લાસ્ટના આરોપી કર્નલ પુરોહિતની અરજી ફગાવી દેવાઈ

નવીદિલ્હી,: સુપ્રીમ કોર્ટે માલેગાંવ બ્લાસ્ટના આરોપી કર્નલ પુરોહિતના આરોપ નક્કી કરવા પર સ્ટે મુકવાની માંગ ફગાવી દેવામાં આવી છે. સિનિયર જજ રંજન ગોગોઈના નેતૃત્વમાં સુપ્રીમ કોર્ટની બેંચે માલેગાંવ બ્લાસ્ટના મામલાની એસઆઈટીથી તપાસની માંગ કરતી અરજી ઉપર સુનાવણીથી ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તેઓ પોતાની આ અરજીને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરી શકે છે. આ પહેલા મુંબઈ હાઈકોર્ટે કર્નલ પુરોહિત અને અન્યોની અરજીને ફગાવી દીધી હતી. પુરોહિતે નિચલી કોર્ટ પાસેથી આરોપો નક્કી કરવા ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. કર્નલ પુરોહિત ગયા વર્ષે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવી ચુક્યા છે. કર્નલ પુરોહિત છેલ્લા નવ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને બાજુમાં મુકીને કર્નલ પુરોહિતને જામીન આપ્યા હતા.  અત્રે નોંધનીય છે કે, ગયા વર્ષે ૨૩મી ઓગસ્ટના દિવસે માલેગાંવ બ્લાસ્ટ કેસના આરોપી અને પૂર્વ લશ્કરી ઇન્ટેલીજન્સ ઓફિસર લેફ્ટી કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિત નવ વર્ષ બાદ જેલમાંથી બહાર આવી ગયા હતા. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા બાદ ખાસ એનઆઈએ કોર્ટે તેમને મુક્ત કરવા માટેના આદેશો જારી કર્યા હતા.  અત્રે નોંધનીય છે કે, ૨૧મી ઓગસ્ટના દિવસે સનસનાટીપૂર્ણ ૨૦૦૮ના માલેગાવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ પ્રસાદ પુરોહિતને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી દીધી હતી. સુપ્રીમ કોર્ટે છેલ્લા નવ વર્ષથી જેલમાં રહેલા કર્નલ પુરોહિતને જામીન આપી દીધા હતા. આ અગાઉ ગયા વર્ષે ૧૭મી ઓગષ્ટના દિવસે આ મામલાની સુનાવણી પૂર્ણ કરીને સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સાંપ્રદાયિકરીતે ખુબ જ સંવેદનશીલ માલેગાંવમાં ૨૯મી સપ્ટેમ્બર ૨૦૦૮ના દિવસે બોંબ બ્લાસ્ટ થયા હતા જેમાં સાત લોકોના મોત થયા હતા. પુરોહિતે મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકીને જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

(7:56 pm IST)