મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

જમ્મુ-કાશ્મીરઃ તંત્ર સુરક્ષાદળોએ લાલ આંખ કરતા ડર્યા તોફાનીઓઃ પથ્થરબાજીની ઘટના ૮૮ ટકા ઘટી

૨૦૧૯માં ૬૧૮, ૨૦૨૦માં ૨૨૨ અને આ વર્ષે માત્ર ૭૬ ઘટના

નવી દિલ્હી, તા.૪: આતંકવાદીઓ સામે તાત્કાલિક કાર્યવાહી, મોટી સંખ્યામાં સુરક્ષાદળોની તૈનાતી અને કોરોના પ્રતિબંધો વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ૨૦૧૯ પછીથી પથ્થરબાજીની ઘટનાઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગૃહ મંત્રાલયના તાજા આંકડાઓ અનુસાર, આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ વચ્ચે પથ્થરમારાના બનાવો ૨૦૧૯ની સરખામણીમાં ૮૮ ટકા ઘટી ગયા છે. આ ઉપરાંત આ પ્રકારની ઘટનાઓમાં ઘાયલ અથવા ઇજાગ્રસ્ત થનારા સુરક્ષાદળના જવાનો અને નાગરિકોની સંખ્યા પણ ૯૩ ટકાથી ઘટીને ૮૪ ટકા થઇ ગઇ છે. ઇન્ડિયન એકસપ્રેસના સમાચારો અનુસાર, ગૃહ મંત્રાલયના આંકડાઓ દર્શાવે છે કે વર્ષ ૨૦૧૯માં જાન્યુઆરીથી જુલાઇ વચ્ચે પથ્થરમારાની ૬૧૮ ઘટનાઓ થઇ હતી, તો વર્ષ ૨૦૨૦માં આ જ સમયગાળામાં ૨૨૨ વાર પથ્થરમારો થયો હતો. ચાલુ વર્ષે આ આંકડો ઘટીને ૭૬ થઇ ગયો છે. સુરક્ષાદળોનો ઇજાગ્રસ્ત થવાની ઘટનાઓ પણ ૨૦૧૯માં ૬૪ હતી જે આ વર્ષે ફકત ૧૦ છે.

સૌથી વધુ ઘટાડો પેલેટ ગન અને લાઠીચાર્જમાં ઘાયલ થનારા સામાન્ય નાગરીકોની સંખ્યામાં થયો છે. ૨૦૧૯માં આ આંકડો ૩૩૯ હતો જે આ વર્ષે ૨૫ થઇ ગયો છે.

આતંકવાદીઓના સફાયા માટે ચલાવાઇ રહેલા સૈનિક મિશન પણ હવે રંગ લાવી રહયા છે. આ સમયગાળામાં આતંકવાદીઓની ઘરપકડ વધી છે. ૨૦૧૯ના જાન્યુઆરીથી જુલાઇ મહિના દરમ્યાન ૮૨ આતંકવાદીઓ પકડાયા હતા જયારે આ વર્ષે અત્યાર સુધીમાં ૧૭૮ આતંકવાદીઓ ઝડપાયા છ.

જમ્મુ કાશ્મીર પ્રશાસને હાલમાં જ આદેશ આપ્યો હતો કે જે લોકો પથ્થરમારામાં સામેલ થયેલા ઝડપાશે તેમને પાસપોર્ટ અને સરકારી નોકરીઓ માટે સીકયોરીટી કલીયરંસ નહીં આપવામાં આવે.

(3:16 pm IST)