મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાનો વાસ છે ત્યાં સુખ – સમૃદ્ધિ - શાંતિ છે. આ પાંચ વર્ષની ઉજવણી નથી પણ જન સેવા કાર્યોનો સેવા યજ્ઞ છે. આ સેવા યજ્ઞમાં લોકો પાસે જઈને વધુ વિશ્વાસ મેળવ્યો છે. ૫ વર્ષમાં કહ્યુ હતું તેના કરતાં વધુ વિકાસના કામો- નિર્ણયો દરેક સમાજને સાથે લઈને કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં નિર્ણયો થકી લોકોને લાભ આપ્યા તેનું આ સરવૈયું છે. અમારી સરકારે સૌના સાથથી સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે ૭ ઓગસ્ટ સુધીમાં ૧૮,૦૦૦થી વધુ કાર્યક્રમો રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ વિકાસના કામો સેવા કામો સરકાર સામે ચાલીને પ્રજાજનોને આપી રહી છે સેવા યજ્ઞની શૃંખલા ૯ દિવસ ચાલનાર છે. ગુજરાત સરકારે લોક કલ્યાણકારી પ્રજા કાર્યો નારી ગૌરવને સમર્પિત કર્યા છે. ભાજપ શક્તિની આરાધના - પૂજા સન્માન કરનાર પાર્ટી છે. ગુજરાતની નારી અબળા નહીં પણ શક્તિ સ્વરૂપા છે. ગુજરાતની મહિલાઓ પુરૂષ સમોવડી નહી પણ પુરૂષ કરતાં વધુ શક્તિશાળી છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતની છ દિકરીઓએ પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આપણા સમાજમાં નારીને વિશેષ સન્માન - દરજ્જો આપ્યો છે. ગુજરાતની નારી આજે સમાજ સેવા નાણાકીય વ્યવસ્થાપન, વિજ્ઞાન, અવકાશ, રમત - ગમત, શિક્ષણ, તબીબી સેવાઓ જેવા અનેક ક્ષેત્રે અગ્રેસર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષ સ્થાને અને મહિલા બાળ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાનો “નારી ગૌરવ દિવસ” કાર્યક્રમ યોજાયો : આણંદ ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ જ્યારે રાજ્યભરમાં વિવિધ ૧૦૭ સ્થળોએ મંત્રીમંડળના સભ્યોશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, મેયરશ્રીઓ, બોર્ડ - નિગમના ચેરમેનશ્રીઓની ઓનલાઇન ઉપસ્થિતિ : મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોના ડિજિટલ ઇ-લોકાર્પણ : નારી ગૌરવ દિવસે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ ૧૪ હજાર સખી મંડળની ૧ લાખથી વધુ બહેનોને વગર વ્યાજે રૂ. ૧૪૦ કરોડનું ધિરાણ અપાયું : રાજ્યભરમાં રૂ. ૧૭.૧૭ કરોડના ખર્ચે નિર્મિત આંગણવાડી (નંદ ઘર) તથા અન્ય કચેરીના ૨૨૩ મકાનોનું ઇ-લોકાર્પણ તેમજ રૂ. ૧૩.૯૬ કરોડના ખર્ચે નિર્માણ થનાર ૧૪૦ મકાનોનું ઇ-ખાતમુહૂર્ત કરાયુ : રૂ. ૨.૪૦ કરોડના ખર્ચે લુણાવાડા (મહીસાગર) અને નવસારી ખાતે નવનિર્મિત સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ-લોકાર્પણ તથા ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા ખાતે નિર્માણ પામનાર સખી વન સ્ટોપ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરાયું

રાજકોટ તા.૪, : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષ સ્થાને અને મહિલા બાળ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં વડોદરા ખાતે રાજ્યકક્ષાનો નારી ગૌરવ દિવસકાર્યક્રમ યોજાયો હતો. આણંદ ખાતેથી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ જ્યારે રાજ્યભરમાં વિવિધ ૧૦૭ સ્થળોએ મંત્રીમંડળના સભ્યોશ્રી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી, મેયરશ્રીઓ, બોર્ડ- નિગમના ચેરમેનશ્રીઓની ઓનલાઇન ઉપસ્થિતિ હતી.મુખ્યમંત્રીના હસ્તે વિવિધ વિકાસ કામોના ડિજિટલ ઇ-લોકાર્પણ કરાયુ હતું. નારી ગૌરવ દિવસે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ ૧૪ હજાર સખી મંડળની ૧ લાખથી વધુ બહેનોને વગર વ્યાજે રૂ. ૧૪૦ કરોડનું ધિરાણ અપાયું હતું.

આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે,જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાનો વાસ છે ત્યાં સુખ- સમૃદ્ધિ- શાંતિ છે .આ પાંચ વર્ષની ઉજવણી નથી પણ જન સેવા કાર્યોનો સેવા યજ્ઞ છે. આ સેવા યજ્ઞમાં લોકો પાસે જઈને વધુ વિશ્વાસ મેળવ્યો છે. ૫ વર્ષમાં કહ્યુ હતું તેના કરતાં વધુ વિકાસના કામો- નિર્ણયો દરેક સમાજને સાથે લઈને કર્યા છે .છેલ્લા પાંચ વર્ષમાં નિર્ણયો થકી લોકોને લાભ આપ્યા તેનું આ સરવૈયું છે .અમારી સરકારે સૌના સાથથી સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે ૭ ઓગસ્ટ સુધીમાં ૧૮,૦૦૦થી વધુ કાર્યક્રમો રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુ વિકાસના કામો સેવા કામો સરકાર સામે ચાલીને પ્રજાજનોને આપી રહી છે સેવા યજ્ઞની શૃંખલા ૯ દિવસ ચાલનાર છે .ગુજરાત સરકારે લોક કલ્યાણકારી પ્રજા કાર્યો નારી ગૌરવને સમર્પિત કર્યા છે .ભાજપ શક્તિની આરાધના- પૂજા સન્માન કરનાર પાર્ટી છે .ગુજરાતની નારી અબળા નહીં પણ શક્તિ સ્વરૂપા છે .ગુજરાતની મહિલાઓ પુરૂષ સમોવડી નહી પણ પુરૂષ કરતાં વધુ શક્તિશાળી છે.ટોક્યો ઓલિમ્પિકમાં ગુજરાતની છ દિકરીઓએ પ્રતિનિધિત્વ કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આપણા સમાજમાં નારીને વિશેષ સન્માન- દરજ્જો આપ્યો છે.ગુજરાતની નારી આજે સમાજ સેવા નાણાકીય વ્યવસ્થાપન, વિજ્ઞાન, અવકાશ, રમત ગમત, શિક્ષણ, તબીબી સેવાઓ જેવા અનેક ક્ષેત્રે અગ્રેસર છે.ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં શાસન વ્યવસ્થાઓમાં બહેનોને ૫૦ ટકા અનામત આપી છે .રાજ્યમાં દોઢ લાખથી વધુ યુવાનોની કાયમી સરકારી ભરતીમાં બહેનોને ૩૩ ટકા અનામત આપીને વિશેષ સ્થાન આપ્યું છે. બહેનો ઘરની સાર સંભાળ સાથે શાસન-સચિવાલય પણ સારૂ ચલાવી શકે છે .અમારી સરકારે બહેનોના વિકાસ માટે અંદાજે ૧૮૯ જેટલી યોજનાઓ અમલી બનાવી છે.ગત વર્ષે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મહિલા ઉત્કર્ષ માટેની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લોન્ચ કરી હતી.

આ યોજના અંતર્ગત ડિસેમ્બર ૨૦૨૨ પહેલા ૧૦ લાખ- સખી મંડળની બહેનોને વગર વ્યાજે ૧૦૦૦ કરોડનું ધિરાણ આપવાનું અમારી સરકાર લક્ષ્યાંક ધરાવે છે.પુરૂષ સાથે મહિલાઓની આવક પણ જોડાય તો ગુજરાતની માથાદીઠ આવકમાં વૃદ્ધિ થાય , સમગ્ર દેશમાં ભારતે સખી મંડળો થકી બહેનોને આર્થિક સહાય કરી પગભર કરવા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરવાની પહેલ કરી છે .મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત બહેનોને કોઇપણ પ્રકારની ગેરન્ટી વિના બેંકો પાસેથી વિના વ્યાજે ધિરાણ આપવામાં આવે છે જેની જવાબદારી સરકાર ઉપાડે છે .અમે લોકોની સેવા કરીએ છીએ તેમાં જ અમારૂ કલ્યાણ છે .આજે આ ૯ દિવસના સેવા યજ્ઞના કારણે વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે .અમારી સરકારે જે કીધું તે કર્યું છે અમારા મનમાં સેવાભાવ છે તેને અમે આગળ વધારી રહ્યા છીએ .તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની વિકાસની રાહ ઉપર ચરૈવૈતિ ચરૈવૈતિના મંત્ર સાથે અમે આગળ વધી રહ્યા છીએ .આ નવ દિવસ તમામ વર્ગના લોકોને આવરી લેતી અલગ અલગ યોજનાઓ- લોકાર્પણો કરવા જઈ રહ્યા છીએ.માત્ર નારા નહીં બેકારી દૂર કરવા નક્કર કાર્ય કરી રહ્યા છીએ .સત્તા માણવા નહી પણ ગુજરાત દસો દિશાઓમાં પ્રત્યેક નાગરિકના વિકાસ કરવા સેવા કાર્યો કરી રહ્યા છીએ 

   મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજના આ કાર્યક્રમથી ગુજરાતની લાખો બહેનો આર્થિક રીતે વધુ સમૃદ્ધ અને પગભર બનશે તેવી આશા અપેક્ષા સાથે તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન  પાઠવ્યા હતા   

મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ કહ્યું હતું કે, નવરાત્રિના નવ દિવસ હોય તેમ આ નવ દિવસ સેવા દિવસ તરીકે ઉજવાય છે. આજે એક દિવસ, એક સાથે ૧૦,૦૦૦થી વધુ સખી મંડળોની એક લાખથી વધુ બહેનોને ૦ ટકા વ્યાજે રૂ. ૧૦૦ કરોડથી વધુનું ધિરાણ આપવાનો ઐતિહાસિક દિવસ છે. મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો ગુજરાત સરકારનો આ ઉત્તમ પ્રયાસ છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી તરીકે ગુજરાતને ઉત્તમ બનાવ્યું હવે આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેને સર્વોત્તમ બનાવવા કાર્યરત છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી એ ૧૮૨૫ દિવસમાં પ્રજાહિતના ૧૭૦૦ નિર્ણયો લઈને ગુજરાતના વિકાસનો નવો રાહ ચિંધ્યો છે. 

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી સહિત મહાનુભાવોના હસ્તે ગંગાસ્વરૂપા પુન: લગ્ન આર્થિક યોજના હેઠળ વિવિધ લાભાર્થી બહેનોને કન્યાદાન કીટ અને રૂ. ૨૫,૦૦૦ના ચેક સહાય વિતરણ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ વિવિધ સખી મંડળોની બહેનોને ધિરાણ પેટે રૂ. ૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.  

મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ માહિતીસભર પુસ્તિકાઓનું મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું હતું. 

નોંધનીય છે કે, આણંદ ખાતે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભરૂચ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સુરેન્દ્રનગર ખાતે કૃષિ મંત્રીશ્રી આર. સી. ફળદુ, દેવભૂમિ દ્વારકા ખાતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાબરકાંઠા ખાતે મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ, રાજકોટ ખાતે ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, અમદાવાદ ખાતે મહિલા- બાળ વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, ગીર સોમનાથ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા, મોરબી ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપભાઇ ઠાકોર, સુરત ખાતે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર, અરવલ્લી ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, પંચમહાલ ખાતે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. 

જ્યારે મહેસાણા ખાતે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, ભાવનગર ખાતે મત્સ્ય ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી, નર્મદા ખાતે  પશુપાલન રાજ્ય મંત્રીશ્રી  બચુભાઇ ખાબડ, બોટાદ ખાતે પંચાયત મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર, દાહોદ ખાતે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, જૂનાગઢ ખાતે પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહિર, ખેડા ખાતે વન રાજ્ય મંત્રીશ્રી રમણલાલ પાટકર, ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણી, પાટણ ખાતે નર્મદા રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલ, જામનગર ખાતે અન્ન અને નાગરિક પુરવઠો રાજ્ય મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, છોટા ઉદેપુર ખાતે મુખ્ય દંડકશ્રી પંકજભાઇ પટેલ અને તાપી ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી આર. સી. પટેલ સહિત સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, બોર્ડ- નિગમના ચેરમેનશ્રીઓની ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસના કાર્યક્રમો યોજાયા હતા.   

વડોદરા ખાતે આયોજિત રાજ્ય કક્ષાના નારી ગૌરવ દિવસ કાર્યક્રમમાં વડોદરાના મેયર શ્રી કેયુરભાઇ રોકડીયા, ધારાસભ્ય સર્વશ્રી સીમાબહેન મોહિલે, શ્રી મનિષાબેન વકીલ, મુખ્ય સચિવશ્રી અનિલ મુકિમ, વડોદરા શહેર અને જિલ્લાના પદાધિકારીઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, લાભાર્થી, બહેનો ઉપસ્થિત રહ્યા હતા. 

(2:02 pm IST)