મુખ્ય સમાચાર
News of Tuesday, 3rd August 2021

અફઘાનિસ્તાનના લશ્કરગાહમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે લડાઈ ફાટી: 40 નાગરિકોના મોત:100 ઘાયલ

લશ્કરગાહ તાલિબાનના કબજામાં જનારું પહેલું પ્રાંતીય પાટનગર બનશે એવી ભીતિ: તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોની સંખ્યા ત્રણ ગણી વધીને 221 થઈ

નવી દિલ્હી :  વૉશિંગ્ટન સ્થિત 'ફાઉન્ડેશન ઑફ ડિફેન્સ ઑફ ડેમૉક્રસી' અનુસાર અમેરિકન સૈન્યના પરત ફરવાની જાહેરાત બાદ તાલિબાનના નિયંત્રણ હેઠળના વિસ્તારોની સંખ્યા ત્રણ ગણી વધીને 221 થઈ ગઈ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શહેરો તરફ આગેકૂચ કરી રહ્યું છે અને પ્રત્યેક કલાકે સ્થિતિ વધારે ભયાનક બની રહી છે.

અફઘાનિસ્તાનના એક મુખ્ય શહેર લશ્કરગાહમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે લડાઈ ફાટી નીકળી છે. લશ્કરગાહ તાલિબાનના કબજામાં જનારું પહેલું પ્રાંતીય પાટનગર બનશે એવી ભીતિ પણ સેવાઈ રહી છે.

અમેરિકા અને અન્ય વિદેશી સેનાની પરત ફરવાની જાહેરાત બાદ તાલિબાન ફરીથી અફઘાનિસ્તાનમાં પોતાનું આધિપત્ય વધારવાની કોશિશ કરી રહ્યું છે.

તાલિબાનનું કહેવું છે કે એમણે શહેરનો મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે. જોકે, અફઘાન સરકારનું કહેવું છે કે તેઓ લશ્કરગાહને તાલિબાનના હાથમાં નહીં જવા દે.

સમાચાર સંસ્થા એએફપી સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને લખે છે કે લશ્કરગાહમાં અફઘાન સુરક્ષા દળો અને તાલિબાન વચ્ચેના હિંસક સંઘર્ષમાં છેલ્લા 24 કલાકમાં 40 નાગરિકો મૃત્યુ પામ્યાં છે અને 100 નાગરિકો ઘાયલ થયા છે.

(12:56 am IST)