મુખ્ય સમાચાર
News of Tuesday, 4th August 2020

રામમંદિર આંદોલન સાથે જોડાયેલ ૯ શિલાઓનું નરેન્દ્રભાઈ પૂજન કરશે

અયોધ્યાની સરહદ સીલઃ SPGએ મોરચો સંભાળ્યોઃ સ્થાનિકોએ ઓળખપત્ર સાથે રાખવું ફરજીયાત : પૂજન કરાયેલ ૯ શિલાઓમાંથી ૧ ગર્ભગૃહમાં તથા ૮ અન્ય જગ્યાએ મુકાશેઃ મંચ ઉપર ફકત ૫ મહાનુભાવો હશેઃ આમંત્રીતો ૧૦.૩૦ સુધીમાં પ્રવેશ કરશે

અયોધ્યા,તા.૪: રામ મંદિરના ભૂમિપૂજનમાં હવે ફકત ૨૪ કલાકનો સમય બચ્યો છે. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન આવતી કાલે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ રામ મંદિરમાં ઈંટ મૂકશે. આ બધા વચ્ચે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા એસપીજીએ સંભાળી લીધી છે. અયોધ્યાની સરહદ સીલ કરી દેવાઈ છે. ૫ ઓગસ્ટ સુધી બહારની વ્યકિતઓને પ્રવેશ મળશે નહીં. સ્થાનિક રહીશોએ સાથે ઓળખ પત્ર રાખવા જરૂરી છે.ઙ્ગ

રામ મંદિરના ભૂમિપૂજનમાં આમ તો ૧૭૫ અતિથિઓને આમંત્રણ અપાયું છે પરંતુ પ્રધાનમંત્રી મોદી અયોધ્યામાં ૧૩૭ કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરશે. કેટલાક કારસેવકોના પરિવારના સભ્યોને પણ આમંત્રણ અપાયું છે. રામ મંદિરના ભૂમિ પૂજનમાં દેશભરમાંથી ૨૦૦૦ પવિત્ર સ્થળોથી માટી અને જળ અયોધ્યા પહોંચ્યું છે. ૧૦૦થી વધુ નદીઓનું જળ અયોધ્યા લવાયું છે.ઙ્ગ

અયોધ્યામાં ભૂમિ પૂજન દરમિયાન ૯ શિલાના પત્થર ભૂમિપૂજનમાં રખાશે. ૯ શિલાઓનું પૂજન પીએમ મોદીના હાથે થશે. ૯ શિલાઓ ૧૯૮૯-૯૦ દરમિયાન રામમંદિર આંદોલન સાથે જોડાયેલી છે. ૯ શિલાઓમાંથી એક શિલા ગર્ભગૃહમાં રખાશે. બાકીની ૮ અન્ય સ્થળો પર. શિલાઓનો ઉપયોગ નકશો પાસ થયા બાદ નિર્માણ સમયે ઉપયોગમાં લેવાશે.ઙ્ગ

ભૂમિ પૂજન દરમિયાન મંચ પર ફકત પાંચ લોકો હશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની સાથે યુપીના રાજયપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ મંચ પર રહેશે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ઉંમરના કારણે આવી શકશે નહીં. જયારે ભાજપના નેતા ઉમા ભારતીએ જણાવ્યું કે કોરોનાના કારણે તેઓ સરયુના કિનારે રહીને જ કાર્યક્રમના સાક્ષી બનશે.

ચંપત રાયના જણાવ્યાં મુજબ ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કાલે કોવિડ-૧૯ પ્રોટોકોલની સાથે પ્રધાનમંત્રીની સુરક્ષાને જોતા સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરાશે. તમામ નિમંત્રણ પ્રાપ્ત લોકોએ સવારે ૧૦.૩૦ વાગે આવી જવું જરૂરી છે. ત્યારબાદ પ્રવેશ મળશે નહીં. તમામ અતિથિઓને પ્રધાનમંત્રીના આગમનના બે કલાક પહેલા પહોંચવું પડશે. તેમણે કહ્યું કે જે લોકોને આમંત્રણ અપાયું છે તેમને કાર્ડ મળી જશે. આ કાર્ડના આધારે કોઈ અન્ય વ્યકિત તેમની જગ્યાએ આવી શકશે નહીં. આ સાથે જ તેમણે જણાવ્યું કે કોઈ વાહન પાસ અપાયો નથી. વાહનોને કાર્યક્રમના સ્થળેથી દૂર જ રખાશે.

(3:51 pm IST)