મુખ્ય સમાચાર
News of Tuesday, 4th August 2020

શ્રીરામ મંદિર શિલાન્યાસ ઢૂકડોઃ રામાર્ચા પૂજા સંપન્નઃ કડક સુરક્ષા

ભગવાનના વસ્ત્રો મુખ્ય પૂજારીને સોંપાયાઃ બનારસથી ચાંદીના 'પાન' મોકલાયા

અયોધ્યા તા. ૪ :.. ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર શિલાન્યાસ-ભૂમિપૂજનની શુભ ઘડી કાલે બુધવારે યોજાશે. ત્યારે શ્રધ્ધાળુઓનો ઉત્સાહ આકાશે આંબી ગયો છે. કાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇના હસ્તે ભૂમિપૂજન યોજાશે. ગઇકાલે રક્ષાબંધનના દિવસે કાર્યક્રમની શુભ શરૂઆત ગણેશજીની પૂજાથી થયેલ.

ત્યારબાદ પંચાંગ પીઠ પૂજન યોજાયેલ. આજે રામાર્ચા પુજા  અને કાલે ભૂમિપૂજન પહેલા વેદી પૂજન યોજાશે. હનુમાનજી અયોધ્યાના અધિષ્ઠાતા છે એટલે તેમની પૂજા બાદ નિર્માણ કાર્ય શરૂ કરાશે. હનુમાનગઢીમાં આજે સવારે પૂજાનું આયોજન કરાયેલ.

સાંજે સમગ્ર અયોધ્યાનગરીમાં રોશનીનો ઝળહળાટ છવાઇ ગયેલ. લાખો દીવડાઓથી રામનગરીમાં અજવાસ પથરાયેલ. સમગ્ર વિસ્તારમાં ઘરે-ઘરે રામ નામ ગુંજી રહ્યા છે.

રામ મંદિર શિલાન્યાસ અને ભૂમિપૂજનના કાર્યક્રમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમારોહમાં આમંત્રીત તમામ સાધુ - સંતો, નેતાઓ અને ગણમાન્ય લોકોનો પ્રવેશ ત્યારે  જ કરાશે. જયારે તેમનો કોરોના ટેસ્ટ કરાશે અને તે નેગેટીવ આવશે. ઉપરાંત કાલે એક સાથે પાંચ લોકો ભેગા નહીં થઇ શકે.

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનના સંયોજક આચાર્ય ઇન્દ્રદેવ મિશ્રએ જણાવેલ કે ગણપતિજીની પૂજા બાદ આજે રામાર્ચા પૂજા સંપન્ન કરવામાં આવી હતી. કાલે તા. પ ના રોજ વેદીપૂજન કરાશે. વડાપ્રધાન મોદી ૧ર વાગ્યા સુધીમાં શ્રીરામજન્મ ભૂમિના ગર્ભગૃહમાં આવશે.  ત્યારબાદ સંકલ્પ કર્યા પછી ૧ર.૧પ વાગ્યાના શુભમૂર્હૂતે ૩ર સેકન્ડમાં ભૂમિપૂજનની ઇંટ મુકશે.

રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસ જણાવે છે કે, ભૂમિપૂજન પહેલા ૧ર મિનીટ વડાપ્રધાન રામલલાનું પૂજન કરશે. હનુમાનગઢીના પુજારી રાજૂદાસના જણાવ્યા મુજબ નરેન્દ્રભાઇ રામલલાની પૂજા પહેલા હનુમાનગઢીમાં હનુમાનજીની ૭ મીનીટ પૂજા કરશે. ગણપતિ પૂજા પહેલા માતા સીતાના કુળદેવી નાના દેવ કાળીમાતા અને ભગવાન શ્રીરામના કુળદેવી મોટા દેવ કાળીમાતાની પૂજા થયેલ. ર૧ પંડીતો ૩ દિવસ અનુષ્ઠાન કરશે.

અયોધ્યા અભેદ કિલ્લામાં ફેરવાઇ

કોરોના સંક્રમણ અને આતંકી ધમકી બાદ અયોધ્યાને અભેદ કિલ્લામાં ફેરવી નખાઇ છે. ગઇકાલથી જ બહારની વ્યકિતના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવાયો છે. દરેક જગ્યાએ બેરીકેડ, પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ખાનગી વાહનો તેમજ એસ.ટી. બસોની તપાસ કરાઇ રહી છે.

યાત્રીઓના આઇ કાર્ડ ચેક કરાઇ રહ્યા છે. અયોધ્યા શહેરમાં પણ દાખલ થનારની પણ તપાસ શરૂ થઇ ગઇ છે. જવાનોનો ચુસ્ત પહેરો શહેરના ખૂણે-ખૂણે રાખવામાં આવ્યો છે. ઉપરાંત અયોધ્યામાં જરૂરી સુવિધાઓની સાથે ફકત એમ્બ્યુલન્સનેજ આવવા-જવાની અનુમતી અપાઇ છે.

રામલલાના ૪ જોડી નવા વસ્ત્રો ભેટ અપાયા

રામજન્મભૂમિ મંદિરના ભૂમિપૂજનમાં રામલલાને નવા વસ્ત્રો પહેરાવાશે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડીત કલ્કી રામે મંદિરના મુખ્ય પુજારી સત્યેન્દ્રદાસને રામલાલના ચાર જોડી નવા વસ્ત્રો ભેટ આપ્યા હતાં. જેમાં સફેદ વસ્ત્ર સોમવારે, લાલ વસ્ત્ર મંગળવાર માટે, નવરત્ન જડીત લીલા વસ્ત્રો બુધવારે ભૂમિપૂજન માટે તથા પીળા વસ્ત્ર ગુરૂવાર માટે અપાયા છે. બુધવારે લીલો રંગ શુભ હોય છે જેથી ભૂમિપૂજન માટે લીલા રંગના વસ્ત્રો અપાયા છે. હનુમાનગઢી મંદિરના પૂજારી મધુવનદાસે જણાવેલ કે,  હનુમાનજીને સાથે રાખ્યા વિના પ્રભુ રામનું કોઇ કાર્ય શરૂ થઇ શકે નહીં, એટલે જ વડાપ્રધાન અને મુખ્યમંત્રી બન્ને અહીં વિશેષ પુજા કરશે. રામલલાની સાથે ભરત, લક્ષ્મણ, શત્રુધ્ન, હનુમાનજી અને લડ્ડ ગોપાલના પોશાક, પડદા તથા આશન પણ આપવામાં આવ્યા છે. સાથે જ ધર્મધ્વજ અને વિજય પતાકાના સાત સેટ પણ અપાયા છે.

(1:01 pm IST)