મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

રાજકોટમાં કોરોના મહામારીના ખપ્પરમાં વધુ ૭૬ હોમાયાઃ નવા ૧૭૧ કેસ

કુલ કેસનો આંક ૩૫,૦૯૯ એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૩૧,૦૬૪ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૮.૯૩ ટકા થયોઃ સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૭૨ પૈકી ૧૪ કોવિડ ડેથઃ હાલમાં ૩૬૪૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૪: શહેર-જીલ્લામાં  છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન  ૭૬ નાં મૃત્યુ થયા છે. શહેરમાં બપોર સુધીમાં ૧૭૧ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૩નાં સવારનાં ૮ વાગ્યા થી તા.૪નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૭૬ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

 ગઇકાલે ૭૨ પૈકી ૧૪ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૧૮૧ બેડ ખાલી છે.

નોંધનીય છે કે શહેરમાં કોરોનાનું  સંક્રમણ વધતા શહેર - જિલ્લાનું આરોગ્ય તંત્ર ફરી હરકતમાં આવ્યું છે અને ટેસ્ટીંગ વધાર્યું છે. કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. જેથી સંક્રમણને કાબુમાં લઇ શકાય.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં ૭૬ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૭૧કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૭૧ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૫,૦૯૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૩૧,૦૬૪ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  ગઇકાલે કુલ ૬,૪૭૮ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૯૭  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૬.૧૩ ટકા થયો  હતો. જયારે ૬૧૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં ૧૦,૧૭,૩૮૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૫,૦૯૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૪૩ ટકા થયો છે.

જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ અંદાજીત ૩૬૪૩  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:15 pm IST)