મુખ્ય સમાચાર
News of Saturday, 4th April 2020

ગુજરાત- ભારતને વેન્ટીલેટરની અછતમાંથી મુકત કરાવનારની સાહસગાથા

ફ્રાન્સની દોઢ સદી જૂની જાયન્ટ યુરોન કંપનીને ટેક ઓવર કરનાર સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ ૧૨ ધોરણનો અભ્યાસ પડતો મૂકયો હતો

૧૯૮૯માં માત્ર ૩૩ હજાર જેવી મામૂલી રકમની લોન દ્વારા પોતાના મશીન-ટૂલ્સ બિઝનેસના શ્રીગણેશ કર્યાં હતા * નાનકડી દુકાનમાં પિતરાઇ ભાઇ સાથે મળીને જયોતિ એન્ટરપ્રાઇસથી શરૂઆત કરી હતી, સાઇકલ પર ઓર્ડર લેવા જતા : ૧૦ દિ'માં જયોતિ સીએનસીના દોઢસો ઈજનેરોની અથાગ જહેમત રંગ લાવીઃ ૬ાા લાખનું આ વેન્ટિલેટર માત્ર ૧ લાખમાં બનાવ્યું

કોરોનાના દર્દી માટે રાજકોટના ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ વેન્ટિલેટર બનાવ્યા છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આ જાહેરાત આજે પત્રકાર પરિષદમાં કરી હતી. રાજકોટને મશીન ટૂલ્સ માટેના વેપાર અને આયાત-નિકાસનું હબ ગણવામાં આવે છે. રાજકોટમાં અસંખ્ય મશીન ટૂલ્સ બનાવતી કંપનીઓ પોતાની પ્રોડકટ દેશ-વિદેશમાં સપ્લાય કરે છે. આવી જ એક રાજકોટનીં કંપની છે જયોતિ સીએનસી, જેના ફાઉન્ડર પરાક્રમસિંહ જાડેજાએ આકરી મહેનત અને સચોટ કામગીરીના કારણે થોડા જ વર્ષોમાં જબરી સફળતા મેળવી છે. એટલુ જ નહીં ફ્રાન્સની દોઢ સદી જૂની જાયન્ટ યુરોન કંપનીને પણ ટેકઓવર કરી છે. પરાક્રમસિંહ કલાર્કના પુત્ર છે અને ધો.૧૨નો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. આજે તેઓ ૬૦૦ કરોડના માલિક છે.

રાજકોટમાં જન્મેલા પરાક્રમસિંહ જાડેજાના પિતા મહાપાલિકામાં કલાર્ક તરીકે કામ કરતા હતા. ૧૯૮૫માં અનામત આંદોલન વખતે ૧૨માં ધોરણની પરીક્ષા પાછી ઠેલાતા પરાક્રમસિંહ અભ્યાસ છોડીને રમત-ગમત તરફ વળ્યા હતા. બાદમાં વર્ષ ૧૯૮૯માં માત્ર ૩૩ હજાર જેવી મામૂલી રકમની લોન દ્વારા પોતાના મશીન-ટૂલ્સ બિઝનેસના શ્રીગણેશ કર્યાં હતા. પરાક્રમસિંહ જાડેજા આજે ૨૫થી વધારે દેશોમાં જયોતિ સીએનસીના મશીન સપ્લાય કરે છે. આજે ૬૦૦ કરોડના માલિક બની ગયા છે. (દિવ્ય ભાસ્કરમાંથી સાભાર)

ફેરારી, રોલ્સ રોઇસ જેવી કંપનીને પણ મશીન પૂરા પાડે છે. પરાક્રમસિંહે ૧૯૮૯માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ મળતી લોન દ્વારા પહેલું મશીન લીધું હતું. પરાક્રમસિંહ જાડેજા અને તેમના પિતાશ્રી બંને ઓશોના અનન્ય અનુયાયી અને ફોલોઅર છે.

શ્રી પરાક્રમસિંહ જાડેજા (મો.૯૮૨૫૦ ૭૭૪૪૪) અને તેમની સમગ્ર ટીમ ઉપર દેશભરમાંથી અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:30 pm IST)