મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

તમે તમારા વિધાનમાં ખરેખર ગંભીર છો ? : કોવિદ -19 સંજોગોમાં રેલીનું આયોજન કર્યું નથી તેવી બીજેપીની એફિડેવિટ મુદ્દે કર્ણાટક હાઇકોર્ટનો વેધક સવાલ : અમારી પાસે પુરાવા રૂપે ફોટાઓ છે તેવું ચીફ જસ્ટિસે કહેતા બીજેપીએ એફિડેવિટ પાછી ખેંચી : રાજકીય પાર્ટીનું અભી બોલા અભી ફોક

કર્ણાટક : કોવિદ -19 સંજોગોમાં રેલીનું આયોજન કર્યું નથી તેવી બીજેપીની એફિડેવિટ મુદ્દે કર્ણાટક હાઇકોર્ટ જસ્ટિસ શ્રી અભય ઓકાએ વેધક સવાલ પૂછ્યો હતો જે મુજબ તમે તમારા વિધાનમાં ખરેખર ગંભીર છો ?.અમારી પાસે પુરાવા રૂપે ફોટાઓ છે.તેવું કહેતા બીજેપીએ એફિડેવિટ પાછી ખેંચી લીધી હતી.

એફિડેવિટ પર કરવામાં આવેલી રજૂઆતની નોંધ લીધા પછી, મુખ્ય ન્યાયાધીશ અભય શ્રીનિવાસ ઓકાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું હતું કે પાર્ટીનું આ  ખોટું નિવેદન છે.

જસ્ટિસ ઓકાએ કહ્યું કે, "આ પાર્ટીએ કોઈ રોડ શો કે મેળાવડા કર્યા નથી તેવું ખૂબ જ બોલ્ડ નિવેદન કર્યું છે.જે ખોટું છે. તમે તમારું નિવેદન સુધારો   અન્યથા અમારી પાસે પુરાવા દર્શાવતા ફોટોગ્રાફ્સ છે.સોગંદનામા ઉપર ખોટું નિવેદન આપવા બદલ તમારી સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.તેવી ચીમકી નામદાર કોર્ટએ આપી હતી.

નામદાર કોર્ટની ચીમકીને ધ્યાને લઇ પાર્ટીના પ્રતિનિધિએ સોગંનામુ પાછું ખેંચવા તથા નવું રજૂ કરવા મંજૂરી  માંગી હતી.જે આપવાની સાથે ચીફ જસ્ટિસે કહ્યું હતું કે તમારી ઓરીજીનલ એફિડેવિટ કોર્ટના રેકોર્ડ ઉપર રહેશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ નવેમ્બર 2020 માં કોર્ટે ભાજપ, સીપીઆઈ, જેડી (એસ), સીપીઆઈ (એમ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને કન્નડ ચાલુવાલી વાતાલ પક્ષને નોટિસ આપી  હતી ત્યારબાદ નોંધ્યું હતું કે રાજકીય પક્ષો દ્વારા સામાજિક અંતરના ધારાધોરણોનો ઉલાળિયો કરી  અનેક રાજકીય રેલીઓ યોજાઇ હતી.

આ બાબતે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કોવિડ -19 ના ધારાના ભંગ બદલ કેદની જગ્યાએ દંડની સજાની જોગવાઈ છે.

સુનાવણી માટેની આગામી મુદત 12 માર્ચ રાખવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)