મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

ટેગ સાથે મળેલું કબૂતર પાંચ દિવસથી પોલીસની કેદમાં

અલવરના બહરોડ વિસ્તારમાં શંકાસ્પદ કબૂતર મળ્યું : કબૂતરની એક પાંખ ઉપર બેક ટૂ લાહોર અને મોબાઇલ નંબર પણ મળી આવતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

અલવર, તા. : રાજસ્થાનના અલવર જિલ્લાના બહરોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શંકાસ્પદ કબૂતર મળી આવ્યું છે. હકીકતમાં તો કબૂતર હવે પોલીસ માટે જાણે એક કોયડો બની ગયું છે. અલવર જિલ્લાના કુરેલી ગામમાં પાંચ દિવસ પહેલા મળી આવેલા એક કબૂતર માથે એક ટેગ જોડાયેલ છે. જેણે એજન્સીને દોડતી કરી દીધી છે. તો ઘટના બાદથી સમગ્ર વિસ્તારમાં જાણે સનસનાટી ફેલાઈ ગઈ છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કબૂતરની એક પાંખ પર બેક ટુ લાહોર અને મોબાઇલ નંબર પણ લખાયેલા છે. પોલીસનું કહેવું છે કે, સુરક્ષા એજન્સીઓને મામલાની તપાસ માટે એલર્ટ કરવામાં આવી છે. પરંતુ તપાસ એજન્સીઓ હજી સુધી અહીં પહોંચી નથી. આથી બાહરોડ પોલીસ કબૂતરને પોલીસ મથકમાં પાંજરામાં પૂરીને તેની પૂરી સંભાળ રાખવામાં મશગૂલ છે. અંગે પોલીસે મિલ્ટ્રી ઇન્ટેલિજન્સને પણ જાણ કરી છે.

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર કબૂતરની એક પાંખ પર પ્લિઝ કોલ મી અને એક પાંખ પર રિટર્ન બેક ટુ લાહોર લખ્યું છે. તેમજ જીપીએસ ૪૩૯ અને જીપીએસ ૨૯૫ પણ લખવામાં આવ્યું છે. ઉપરાંતક કબૂતરના પગમાં જીપીએસ ડિવાઇસ પણ લગાવવામાં આવ્યું છે. ડિવાઇસને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

એવું બન્યું હતું કે ૨૮ મી ફેબ્રુઆરીના રાત્રે ૧૦ વાગ્યે બહરોડ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીને માહિતી મળી હતી કે કુરેલી ગામમાં એક કબૂતર રાત્રીના સમયે ઉડતું ઉડતું આવીને એક યુવાનના ખભા પર બેઠું છે. તેના પગમાં કોઈ સાધન બંધાયેલું છે. ઘટના સ્થળે પહોંચતાં પોલીસને કબૂતર શંકાસ્પદ લાગ્યું હતું અને પોલીસ સ્ટેશન લાવ્યું હતું. તેમજ સંબંધિત અધિકારીઓને પણ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. બહરોડ પોલીસ સ્ટેશનના અધિકારી વિનોદ સાંખલાએ જણાવ્યું હતું કે, નિમ્ભોર ચોકી વિસ્તારમાં આવેલ કુરેલી ગામમાંથી શંકાસ્પદ કબૂતર અંગે માહિતી મળી હતી. કબૂતર જોઈને તે શંકાસ્પદ લાગ્યું હતું. તેના પગમાં રહેલી ટેપ જેવી વસ્તુને કાઢીને વસ્તુ સંબંધિત વિભાગને તપાસ માટે મોકલવામાં આવશે.

(7:37 pm IST)