મુખ્ય સમાચાર
News of Thursday, 4th March 2021

' ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો ' : દેશના લોકો માટે વેક્સિનની તંગી અને વિદેશોને આપવાની હોડ : સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને ઉત્પાદનની ક્ષમતા બતાવવા દિલ્હી હાઇકોર્ટનો આદેશ

ન્યુદિલ્હી : દિલ્હી બાર કાંઉસીલે કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન દિલ્હી હાઇકોર્ટએ  સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકને ઉત્પાદનની ક્ષમતા બતાવવા આદેશ કર્યો છે.નામદાર કોર્ટએ ટિપ્પણી કરતા જણાવ્યું છે કે દેશના લોકો માટે વેક્સિનની તંગી અને વિદેશોને વેચાતી કે દાનમાં આપવાની હોડ વ્યાજબી નથી.

નામદાર કોર્ટએ  કેન્દ્ર સરકારને પણ કોવિડ -19 ની રસી મેળવવા માટે લાભાર્થીઓના વર્ગીકરણ પાછળનું કારણ સમજાવવા જણાવ્યું હતું. હકીકતમાં, પ્રથમ તબક્કામાં, કોરોના રસી આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો માટે હતી. બીજા તબક્કામાં વરિષ્ઠ નાગરિકો અને 45 થી 59 વર્ષની વયના લોકોનો સમાવેશ થાય છે, જેઓ પહેલેથી જ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે.

જજ શ્રી વિપિન સંઘી તથા સુશ્રી  રેખા પલ્લીની ખંડપીઠે કહ્યું કે બંને સંસ્થાઓ 'સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ  ઈન્ડિયા અને ભારત બાયોટેક' વધુ રસી પૂરી પાડવા માટેની ક્ષમતા ધરાવે છે, પરંતુ તેઓ આનો સંપૂર્ણ લાભ લેતા હોય તેવું લાગતું નથી.

ઉલ્લેખનીય છે કે કોર્ટ દિલ્હી બાર કાઉન્સિલની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં ન્યાયિક પ્રક્રિયામાં સામેલ તમામ લોકોને ન્યાયાધીશ, કોર્ટના કર્મચારીઓ અને વકીલો સહિતનાને એડવાન્સ ફ્રન્ટ કર્મચારી તરીકે વર્ગીકૃત કરવાની માંગ કરવામાં આવી હતી.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(6:26 pm IST)